મીડિયા અહેવાલ પ્રમાણે 4 સપ્ટેમ્બરે વાઘા બોર્ડર ઉપર અટારી સીમા પાસે કરતારપુર કોરિડોર અંગે બંને દેશો વચ્ચે બેઠક યોજાશે. જેમાં કોરિડોર ખોલવા માટેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર થશે.
જે કોરિડોર માટે પ્રસ્તાવ મુકાયો છે તે પાકિસ્તાનના કરતારપુર સ્થિત દરબાર સાહિબથી ગુરુદાસપુરુ જિલ્લા સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડાશે. જેથી વિઝા વગર પણ ભારતનો શિખ સમુદાય અવર-જવર કરી શકે.
આ બેઠક ભારત અને પાકિસ્તાનના વિશેષજ્ઞો વચ્ચે યોજાશે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દુર કર્યા પછી બે દેશ વચ્ચે થનારી આ પહેલી બેઠક છે. પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ કાર્યલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલ કરશે.
અખબારી અહેવાલ પ્રમાણે, બેઠક સવારે 10 વાગ્યે શરુ થશે. બંને દેશ આ વાતે સહમત થયા છે કે, આ કોરિડોરના માધ્યમથી પાકિસ્તાન પ્રતિદીન 5000 શિખ શ્રધ્ધાળુઓને આવવાની અનુમતિ આપશે.
નોંધનીય છે કે, 1947થી બંને દેશોની આઝાદી પછી પહેલો આ કોરિડોર હશે જે વિઝા મુક્ત હશે. પાકિસ્તાન ભારતીય સીમાથી ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી કોરિડોરનું નિર્માણ કરી રહ્યુ છે. જ્યારે ડેરા બાબા નાનકથી સરહદ સુધીનાં ભાગનું નિર્માણ ભારત કરી રહ્યુ છે.
ભારત ઝીરો પોઈન્ટ ઉપર એક પુલ બનાવી રહ્યો છે. પાકિસ્તાને પણ તેમની તરફના પુલ બનાવવાનું નક્કી કર્યુ છે. આ પુલથી વરસાદી પૂરની સ્થિતિમાંથી બચી શકાશે. તેમજ તિર્થયાત્રીઓ સુરક્ષિત રીતે અવર-જવર કરી શકશે.