મુંબઈઃ હવામાન વિભાગે શુક્રવારથી મુંબઈમાં વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. 3થી 4 જુલાઇના 24 કલાકમાં કોલાબામાં 169 મીમી અને સાંતાક્રુઝમાં 157 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે મુંબઇમાં પણ મુશળધાર વરસાદના કારણે હાઈ-એલર્ટ આપવામાં આવ્યું હતું. પાલિકાના ઇમરજન્સી વિભાગે માહિતી આપી છે કે, હાલમાં માર્ગ અને રેલ્વે ટ્રાફિક સહેલાઇથી ચાલી રહ્યો છે. તેમ છતાં સૌએ સતર્ક રહેવાની જરૂર છે.
મળતી માહિતી પ્રમાણે, શનિવારથી મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવાર સવારે વરસાદ થોડા સમય માટે અટક્યો હતો, પરંતુ થોડા કલાકોમાં ફરીથી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ચેમ્બુર અને અંધેરીના ઘણા વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ વરસાદ અને જળાશયોની સ્થિતિને જોતા હાઈએલર્ટની ચેતવણી આપવામાં આવી છે. મુંબઇમાં આજે બપોરે 12.23 વાગ્યે સમુદ્રમાં મોજાઓ 4.63 મીટર સુધી વધવાની શક્યતા છે.