મુંબઇ: ફરી એક વખત ભારે વરસાદને કારણે મુંબઇનું જીવન ખોરવાઇ શકે છે. ભારતીય હવામાન વિભાગે મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને 2 દિવસ જાગૃત રહેવાની અપીલ કરી છે. જો કે, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ ફક્ત 15 જુલાઈ માટે જ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બુધવારે અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગોવાના કોંકણમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આ તમામ વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 97 મીમી વરસાદ અને કોલાબામાં 122 મીમી વરસાદ થયો હતો અને મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં આગામી કેટલાક કલાકો દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે અને આગામી 48 કલાક દરમિયાન સરેરાશ 200 મિલીમીટર સુધી વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓડિશા અને ગુજરાત વિસ્તારમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.