બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે. એક તરફ વેણ ગંગા નદી અને બાધ નદીના જળ સ્તરમાં વધારો થયો છે, જેથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકો સંપર્ક વિહોણા થયા છે. ઘરોમાં વરસાદનું પાણી ભરાઇ ગયું છે અને લોકો પોતાના ઘરોમાં ફસાઇ ગયા છે. SDERF અને હોમગાર્ડસની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.
બાલાઘાટ કન્ટ્રોલ રૂમથી EOCને સૂચના મળી હતી કે, ભરવેલી વિસ્તારમાં આવેલા હીરાપુર ગામમાં વરસાદનું પાણી ઘરોમાં ભરાઇ જતા 25થી વધુ લોકો ફસાઇ ગયા છે. જેથી SDERF અને હોમગાર્ડની ટીમ રેસ્ક્યૂ માટે સ્થળ પર પહોંચી હતી. ટીમે રેસ્ક્યૂ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતાં. આ સિવાય બેહર, પરસવાડા, ગઢી વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા છે, જેથી કેટલાક ઘરો પણ ધરાશાયી થઇ ગયા છે, તો કેટલાક લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. જેમને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.