ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૃદયમાં નુકસાન ધરાવતા કોવિડ-19ના દર્દીઓમાં મોતનું ઊંચું જોખમ

તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા એક સંશોધન પરથી માલૂમ પડ્યું છે કે, કોવિડ-19નો ભોગ બનતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાં હૃદયને નુકસાન થવું (મ્યોકાર્ડિયલ ઇન્જરી) સામાન્ય છે અને આ નુકસાન મોટાભાગે હળવું હોય છે. સંશોધકો અનુસાર, હૃદયમાં થતી નજીવી ઇજા પણ મોતનું કારણ બની શકે છે. ખાસ કરીને હૃદયને થયેલા આ પ્રકારના ગંભીર નુકસાનથી મોત નીપજવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

corona
corona

By

Published : Jun 14, 2020, 7:06 AM IST

હૈદ્રાબાદ: ન્યૂયોર્ક શહેર સ્થિત હોસ્પિટલ નેટવર્ક માઉન્ટ સિનાઇ ખાતેના સંશોધકોએ શોધ્યું છે કે, કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના હૃદયને નુકસાન (મ્યોકાર્ડિયલ ઇન્જરી) પહોંચે છે અને તેના કારણે મૃત્યુ નીપજવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને, હૃદયને થયેલું ગંભીર નુકસાન મૃત્યુના જોખમને ત્રણ ગણું વધારી દે છે. આ પરિણામો અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની જર્નલના પાંચમી જૂનના અંકમાં પ્રસિદ્ધ થયાં હતાં.

કોવિડ-19 કેવી રીતે તથા કેટલા આવર્તન સાથે હૃદય અને રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે, તે અંગે અનેક તર્ક-વિતર્કો પ્રવર્તે છે. અમારો નીરિક્ષણાત્મક અભ્યાસ આ વિષય પર થોડો પ્રકાશ પાડવામાં મદદરૂપ નીવડી શકે છે. અમે જાણ્યું હતું કે, કોવિડ-19ને કારણે દાખલ કરવામાં આવેલા 36 ટકા દર્દીઓમાં ટ્રોપિનનું સ્તર ઊંચું હતું – જે હૃદયના નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે – અને તેમનું મોત નીપજવાના જોખમનું પ્રમાણ ઊંચું હતું,” તેમ માઉન્ટ સિનાઇ સ્થિત ઇકાહ્ન સ્કૂલ ઓફ મેડિસિન ખાતેના એમડી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન (કાર્ડિયોલોજી) તથા મુખ્ય લેખક અનુ લાલાએ જણાવ્યું હતું.

“આ તારણો ચીન અને યુરોપના અહેવાલો સાથે સુસંગત છે તેમજ હેલ્થ કેર પ્રોફેશનલ્સ માટે તે અગત્યનાં છે. જો કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ ઇમર્જન્સી રૂમમાં પ્રવેશ કરે અને તેમનાં પ્રારંભિક ટેસ્ટનાં પરિણામોમાં ટ્રોપોલિનનું સ્તર ઊંચું જોવા મળે, તો ડોક્ટરો આવા દર્દીઓની બહેતર સારવાર કરવા માટે સક્ષમ થઇ શકે છે અને તેમની સ્થિતિનું ઝીણવટપૂર્વક અવલોકન કરી શકે છે, પરંતુ આ એક પરીક્ષણયોગ્ય ઉપકલ્પના બની રહે છે.”

સંશોધકોની એક ટીમે 27મી ફેબ્રુઆરીથી લઇને 12મી એપ્રિલ, 2020 સુધીમાં માઉન્ટ સિનાઇ હેલ્થ સિસ્ટમ હેઠળની ન્યૂયોર્ક શહેરની પાંચ હોસ્પિટલો (માઉન્ટ સિનાઇ હોસ્પિટલ, માઉન્ટ સિનાઇ વેસ્ટ, માઉન્ટ સિનાઇ મોર્નિંગસાઇડ, માઉન્ટ સિનાઇ ક્વીન્સ અને માઉન્ટ સિનાઇ બ્રૂકલિન)માં દાખલ કરવામાં આવેલા કોવિડ-19ની પુષ્ટિ થઇ હોય તેવા આશરે 3,000 જેટલા પુખ્ત વયના દર્દીઓના ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્ઝનું વિશ્લેષણ કર્યું હતું. વિશ્લેષણ કરવામાં આવેલા દર્દીઓ માટેની સરેરાશ વય 66 હતી અને તેમાંથી આશરે 60 ટકા દર્દીઓ પુરુષો હતા. તમામ પૈકીના એક ચતુર્થાંશ દર્દીઓની ઓળખ આફ્રિકન અમેરિકન તરીકે અને 27 દર્દીઓની ઓળખ હિસ્પેનિક અથવા તો લેટિનો તરીકે કરવામાં આવી હતી. લગભગ 25 ટકા દર્દીઓ હૃદયની બિમારી (કોરોનરી આર્ટરી ડિસીઝ, આર્ટ્રિઅલ ફાઇબ્રિલેશન અને હાર્ટ ફેઇલ્યોર સહિતની બિમારી) ધરાવતા હતા તથા આશરે 25 ટકા જેટલા દર્દીઓ (ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સહિતની) કાર્ડિયોવસ્ક્યુલર બિમારીઓનું જોખમ ધરાવતા હતા.

માઉન્ટ સિનાઇના સંશોધકોએ શોધ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-19ના 36 ટકા દર્દીઓ મ્યોકાર્ડિયલ ઇન્જરી (હૃદયમાં નુકસાન) ધરાવતા હતા. ઉપરાંત, મ્યોકાર્ડિયલ ઇન્જરી વિનાના કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની તુલનામાં નોંધપાત્ર ઇજા (નુકસાન) ધરાવનારા દર્દીઓનું મોત નીપજવાનું જોખમ ત્રણ ગણું વધારે હતું.

આ માહિતી મેળવવા માટે, સંશોધકોએ દર્દીઓના ટ્રોપોનિનના સ્તર તથા તેનાં પરિણામો પર ધ્યાન આપ્યું હતું. ટ્રોપોનિન એ હૃદયના સ્નાયુને નુકસાન પહોંચે, ત્યારે છૂટતું પ્રોટીન છે (ટ્રોપોનિનનું સ્તર ઊંચું હોય, તેનો અર્થ એ કે હૃદયને વધુ નુકસાન.) આ માટે તમામ દર્દીઓને દાખલ કરાયાના 24 કલાકની અંદર તેમનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તેમને ત્રણ કેટેગરીનાં જૂથોમાં વિભાજિત કરી દેવાયા હતાઃ 64 ટકા સાધારણ રેન્જમાં (0.00-0.03 ng/mL); 17 ટકામાં હળવો વધારો હતો (સાધારણની ટોચ મર્યાદા કરતાં એક અને ત્રણ ગણાની વચ્ચે અથવા >0.03-0.09 ng/mL), તથા 19 ટકા દર્દીઓમાં ભારે વધારો જોવા મળ્યો હતો (સાધારણની ટોચ મર્યાદા કરતાં ત્રણ ગણા કરતાં વધુ, અથવા >0.09 ng/mL). ખાસ કરીને 70 વર્ષ કરતાં વધુ વય ધરાવતા તેમજ અગાઉ ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, આર્ટ્રિઅલ ફિબ્રિલેશન, કોરોનરી આર્ટરી ડિસિઝ અને હાર્ટ ફેઇલ્યર જેવી સ્થિતિ ધરાવનારા દર્દીઓમાં ટ્રોપોલિનનું સ્તર વધુ ઊંચું જોવા મળ્યું હતું. સંશોધકોએ વિશ્લેષણમાં આ પરિબળો માટે વર્ગીકરણો કર્યાં હતાં.

ત્યાર બાદ, સંશોધકોએ વય, જાતિ, બોડી માસ ઇન્ડેક્સ, કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝનો ઇતિહાસ, દવા તથા હોસ્પિટલમાં દાખલ થવા સમયે બિમારી સહિતનાં પરિબળો પર ધ્યાન આપ્યા બાદ મૃત્યુના સંબંધિત જોખમનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે શોધ્યું હતું કે, સાધારણ સ્તર ધરાવતા દર્દીઓની તુલનામાં હળવા સ્વરૂપની મ્યોકાર્ડિઅલ ઇજા ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવાની શક્યતા ઓછી હતી તથા તેમનું મૃત્યુ નીપજવાની શક્યતા 75 ટકા વધારે હતી. સામાન્ય સ્તરની સરખામણીએ ટ્રોપોનિનનું ઊંચું સ્તર ધરાવનારા દર્દીઓનું મોત નીપજવાનું જોખમ ત્રણ ગણું વધારે હતું. વળી, હૃદયની બિમારી, ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર સહિતના અન્ય સુસંગત પરિબળો પર ધ્યાન આપતાં ટ્રોપોનિન સ્વતંત્રપણે મૃત્યુના જોખમ સાથે સંખલાયેલું હતું. ખાસ કરીને, હૃદયની બિમારીના ઇતિહાસની તુલનામાં હૃદયની ઇજા એ મોતના જોખમનું અનુમાન કરવામાં વધુ મહત્વનો સંકેત હોય, તેમ જણાય છે.

“આ અભ્યાસનો સારાંશ એ છે કે, કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં મ્યોકાર્ડિયલ ઇજા થવી સામાન્ય છે, પરંતુ તે ઘણી વખત હળવી હોય છે તથા ટ્રોપોનિનમાં નજીવા વધારા સાથે સંબંધ ધરાવતી હોય છે. નીચા સ્તર છતાં, હૃદયમાં થયેલી નાની ઇજા પણ મોતનું જોખમ વધારી દે છે અને હૃદયની બિમારી ન ધરાવતા દર્દીઓની સરખામણીમાં કાર્ડિયોવસ્ક્યુલર બિમારીનો ઇતિહાસ ધરાવતા કોવિડ-19ના દર્દીઓમાં મ્યોકાર્ડિયલ ઇજા થવાની શક્યતા વધી જાય છે,” તેમ ડો. લાલાએ જણાવ્યું હતું.

“કોવિડ-19ના દર્દીઓમાં ઘણી વખત મ્યોકાર્ડિયલ ઇન્જરી જોવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે, મુખ્ય નિદાન શું છે? શું આ સ્થિતિ મ્યોકાર્ડિયમમાં વાઇરસની સીધી અસરને કારણે છે કે પછી આ મ્યોકાર્ડિયમમાં સાઇટોકિન સ્ટોર્મની પરોક્ષ અસર છે? ભાવિ અભ્યાસોમાં આ પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી છે,” તેમ માઉન્ટ સિનાઇ હોસ્પિટલના ફિઝિશિયન ઇન ચીફ તથા માઉન્ટ સિનાઇ હાર્ટના ડિરેક્ટર, પીએચડી, એમડી તથા સિનિયર લેખક વવેલેન્ટિન ફ્યુસ્ટરે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, “ઉપરાંત, હવે આપણે પરિણામો વિશે વધુ જાણકારી મેળવવા માટે મ્યોકાર્ડિયલ ઇન્જરી ધરાવતા કોવિડ-19ના દર્દીઓ પર અભ્યાસ કરવો જરૂરી છે.”

ABOUT THE AUTHOR

...view details