- નિકિતા તોમર હત્યાકાંડની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવા માટે મંજૂરી
- તૌસીફ મુખ્ય આરોપી છે, જ્યારે રેહાન અને અજરૂ બાકી આરોપી
- આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
ફરીદાબાદઃ નિકિતા હત્યાકાંડ બાદથી જ દોષિતોને કડક સજા મળવાની માગને લઇ તમામ સામાજિક સંગઠન પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને પોલીસે પણ આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી આ પગલે કોઇ કચાસ રાખી નથી. હવે આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવા માટે મંજૂરી મળી છે.
હરિયાણા સરકાર પહેલાજ આ મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાની વાત કરી હતી, તો હવે મંજૂરી પણ આપવામાં આવી છે. હવે દરરોજ કોર્ટમાં આ હત્યાકાંડની સુનાવણી થશે. જેનાથી આ મામલે જલ્દી જ નિર્ણય આવવાની આશા છે.
પોલીસે કોર્ટમાં 600 પેજની ચાર્જશીટ દાખલ કરી
વધુમાં જણાવીએ તો ગત્ત શુક્રવારે પોલીસે કોર્ટમાં 600 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 60 સાક્ષી છે, તો પોલીસે સીસીટીવી ફુટેજમાંથી મેળવેલા બધા જ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. આ મામલે તૌસીફ મુખ્ય આરોપી છે, જ્યારે રેહાન અને અજરૂ બાકી આરોપી છે. એસઆઇટીએ 25 જેવા મજબુત પુરાવા એકઠા કર્યા છે, જે આરોપીઓને ફાંસીના ફંદા સુધી લઇ જશે.
શું છે સમગ્ર ઘટના?
મહત્વનું છે કે, 26 ઓક્ટોબરે વિદ્યાર્થી નિકિતા તોમર જ્યારે પેપર આપીને પોતાના ઘરે જઇ રહી હતી, ત્યારે આરોપી તૌસીફે તેની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપીએ પહેલા વિદ્યાર્થીને કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો અને પછી નિષ્ફળ થયા બાદ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપી તોસીફ અને તેના સાથી રેહાન તેમજ અજરૂની ધરપકડ કરી હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.