આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાળકોને તાત્કાલિક સારવાર માટે કોટાની જે. કે. લોન હોસ્પિટલમાં લાવવામાં આવે છે. આ હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક જ મહિનામાં 100 બાળકોનો મોત થયા તે ચોંકાવનારું છે. ભારે વિવાદ વચ્ચે નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPR)ના હોદ્દેદારોએ હોસ્પિટલની મુલાકાત લઈ જાત તપાસ કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે સમગ્ર વર્ષ દરમિયાન આ હોસ્પિટલમાં 940 બાળકોના મોત થયા હતા.
રાજ્ય સરકારે અગાઉની સ્થિતિ સાથે સરખામણી કરીને મામલાને ઢાંકી દેવાની કોશિશ કરી. સરકારે બેશરમ બનીને સરખામણી કરી કે ભૂતકાળમાં એક વર્ષમાં 1300થી 1500નાં મોત થતાં હતાં. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એવું કહ્યું કે આ વખતનો મરણાંક અલગ ટ્રેન્ડ દર્શાવે છે. પણ સવાલ એ છે કે દર વર્ષે હજારો બાળકોનાં મોત થતાં હોય તો સરકારે તેના માટે અત્યાર સુધીમાં શું પગલાં લીધાં? કોઈ નેતા પાસે આનો જવાબ નથી.
NCPR દ્વારા ચકાસણી કરાઈ તે પછી જે. કે. લોન હોસ્પિટલની કેટલીય ચોંકાવનારી બાબતો બહાર આવી હતી. કમિટીને જોવા મળ્યું કે વૉર્મર્સ, નેબ્યૂલાઇઝર્સ અને વેન્ટિલેટર્સ જેવા તાકિદની સારવાર માટેના સાધનોમાંથી 50 ટકા કામ કરતા નહોતા. હોદ્દેદારો એ જોઈને ચોંકી ગયા કે હોસ્પિટલના મેદાનમાં ભૂંડ આંટા મારતા હતા. ઘટનાની તપાસ માટે બેસાડાયેલી આંતરિક સમિતિએ કોઈ બેદરકારી થઈ હોવાનું નકારી કાઢ્યું છે. તેમાં તો એવો પણ દાવો કરાયો કે તબીબી સાધનો બરાબર કામ કરતા હતા. બાળકોનો ભલે ભોગ લેવાય, પણ હોસ્પિટલની બેદરકારી છતી ના થવી જોઈએ, તેમાં જ સમિતિને રસ હોવાનું અહેવાલમાં દેખાઈ આવે છે.
નેશનલ હ્યુમન રાઇડ્સ કમિશન (NHRC) જાતે મામલાની નોંધ લઈને રાજસ્થાન સરકારને નોટીસ પાઠવી હતી. પંચે જણાવ્યું હતું કે જો અખબારી અહેવાલો સાચા હોય તો તે જે. કે. લોન હોસ્પિટલમાં મૂળભૂત માનવાધિકારોનો ભંગ થતો જણાય છે. પ્રતિસાદમાં હોસ્પિટલના સત્તાવાળાઓએ તપાસ સમિતિ બેસાડી દીધી હતી, પણ પંચ મુખ્ય પ્રધાન તરફથી સંતોષકારક ખુલાસો ના મળે ત્યાં સુધી જંપીને બેસવા માગતું નથી.
નજીકના ભૂતકાળમાં બિહારમાં અને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એન્સેફેલાઇટિસનો ચેપ ફેલાયો ત્યારે પણ ભારતની જાહેર આરોગ્યની સુવિધાની ખરાબ સ્થિતિ ઉઘાડી પડી ગઈ હતી. લોકો જેને મગજનો તાવ એ રીતે ઓળખે છે, તે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ બિહારના મુઝફ્ફરનગરથી 18 જિલ્લામાં ફેલાયો હતો. તેમાં હજારો બાળકોનો ભોગ લેવાતો રહ્યો તો પણ સરકાર જાગી નહોતી. તેવી જ સરકારી ઉપેક્ષા રાજસ્થાનમાં જોવા મળી.