નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ કરેલી મંગળવારની 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની સહાયની જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું કે, મોદીએ મીડિયાને માત્ર હેડલાઇન આપી, પરંતુ પ્રવાસી શ્રમિકો માટે કોઇ હેલ્પલાઇન આપી નથી અને તેમાં સંવેદનશીલતાની અછત જોઇને દેશ નિરાશ છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું કે, વડાપ્રધાનની ઘોષણા કોરા પાનાની જેમ છે અને જ્યારે આ સામે આવશે તો દેશ અને કોંગ્રેસ પ્રતિક્રિયાઓ આપશે.
તેમણે ટ્વીટ કર્યું કે, પોતાના ઘરે જઇ રહેલા પ્રવાસી કામદારોની હ્રદય સ્પર્શી જાય તેવી માનવીય સ્થિતિને કરુણા અને પોતાનાપનથી જોવા તથા મજૂરોને સુરક્ષિત પરત મોકલવાની જરૂર છે. લાખો પ્રવાસી શ્રમિકો પ્રતિ સંવેદનશીલતાની અછત અને તેની તકલીફો દૂર કરવામાં તમારી નિષ્ફળતાથી ભારત ખૂબ જ નિરાશ થયો છે.
કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે દાવો કર્યો કે, મોદીએ આર્થિક પેકેજનું વિવરણ ન જણાવીને અને પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવા પર કશુ ન બોલીને દેશને નિરાશ કર્યો છે.
વલ્લભે કહ્યું કે, વડા પ્રધાને હેડલાઇન આપી, પરંતુ કોઇ હેલ્પલાઇન આપી નથી. તેમણે પ્રવાસી મજૂરોને તેમના ઘરે સુરક્ષિત મોકલવા અને રસ્તાઓમાં મજૂરોના મોતની ઘટનાઓ પર કંઇ બોલ્યા નથી, જે ખૂબ જ નિરાશાજનક છે.
આ પહેલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વડા પ્રધાનના ઘોષણાનું સ્વાગત કર્યું. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, તે આ પેકેજના વિવરણની રાહ જોઇ રહ્યા છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન તરફથી 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાતનું સ્વાગત છે અને અમે વિવરણની રાહ જોઇ રહ્યા છીએ. જેનાથી અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા અને કર્મચારીઓને વેતન આપવાની તત્કાલ જરૂરને લઇને સુક્ષ્મ અને લઘુ તેમજ મધ્યમ ઉપક્રમોમાં વિશ્વાસ પેદા કરવામાં મદદ કરશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ મંગળવારે કોરોના વાઇરસ મહામારી અને લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ભરવા માટે ખેડૂતો, શ્રમિકો, મધ્યમવર્ગના લોકો સહિત સમાજના તમામ પ્રભાવિત વર્ગો અને ક્ષેત્રોને રાહત આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી.