નાણા મંત્રાલય સ્વીકારતા પહેલાં મેં નરસિંહ રાવે કહ્યું હતું કે હું હોદ્દો તો જ સ્વીકારીશ જો તેઓ મને સંપૂર્ણ ટેકો આપવાના હોય. તેમણે મજાકના સ્વરમાં કહ્યું કે: “તમને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે. જો નીતિઓ સફળ રહી તો બધો જ જશ અમે લેશું. નીતિઓ નિષ્ફળ ગઈ તો તમારે જવું પડશે”. શપથવિધિ પછી વડા પ્રધાન રાવે વિપક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. મેં તેમને વિગતો આપી હતી. મારા મનમાં એવી છાપ પડી કે વિપક્ષના નેતાઓ ચોંકી ગયા હતા. વડા પ્રધાને મને આર્થિક બાબતોમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.
જોકે આર્થિક સુધારાઓ કંઈ રાતોરાત નહોતા થઈ ગયા. તે ઐતિહાસિક પરિવર્તન તે વખતની દૂરંદેશીભરી રાજકીય નેતાગીરી વિના શક્ય ના બન્યા હોત. આપણી આર્થિક નીતિઓને નવી દિશામાં વાળવાની જરૂર છે તેવું સમજનારા પ્રથમ રાજકીય નેતા હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. સામાજિક ન્યાય સાથે આર્થિક વિકાસ થાય તેવી નીતિઓની જરૂર તેમને લાગી હતી. તેમણે લીધેલા પ્રારંભિક પગલાંઓને શ્રી રાજીવજીએ ઘણા આગળ વધાર્યા, કેમ કે તેઓ આવનારા ઇન્ફર્મેશન યુગના મહત્ત્વને સમજી શક્યા હતા. રાજીવ ગાંધીના નેતૃત્ત્વમાં કોંગ્રેસની સરકારે 1980ના દાયકાના પાછળના હિસ્સામાં આર્થિક સુધારોને ગતિ આપી હતી.
આપણે નરસિંહ રાવજીની આર્થિક સુધારાઓની બાબતની સમજ બાબત સરાહના કરવી જોઈએ. 1991માં કોંગ્રેસની સરકાર બની ત્યારે વડા પ્રધાન નરસિંહ રાવની આગેવાનીમાં નાણાં પ્રધાન તરીકે અમે આર્થિક સુધારાઓની શરૂઆત કરી. વડા પ્રધાન નરસિંહ રાવજીના નેતૃત્ત્વ હેઠળ અમે આર્થિક નીતિઓ તથા આપણી વિદેશ નીતિઓની બાબતમાં હિંમતભર્યા અને સુદીર્ઘ પગલાં લીધાં.
અમે જે આર્થિક સુધારાની શરૂઆત કરી તેનું એક વિશેષ પાસું હતું ભારતીય પદ્ધતિએ થયેલા સુધારા. અમે ચોક્કસ ફોર્મ્યુલાને વળગી ના રહ્યા. મને યાદ છે આઈએમએફના તે વખતના એમડી માઇકલ કેમ્ડેસસ અને વડા પ્રધાન નરસિંહ રાવની મુલાકાત. તે વખતે નરસિંહ રાવજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં સુધારા માટે ભારતીયોની ચિંતાને ધ્યાને લેવી પડે. અમે લોકશાહી છીએ. અમારા કામદારોના હિતોનું અમારે રક્ષણ કરવું પડે. અમે આઈએમએફને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રના એક પણ કામદારની નોકરી માળખાકીય સુધારાને કારણે જતી રહે તેવું અમે કરી શકીએ નહિ. અમારી અગ્રતાને ધ્યાનમાં રાખીને સુધારાઓ લાવવામાં આવશે તેની અમે ખાતરી આપી હતી અને અમે તે પાળી શક્યા હતા.