ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસની ઘટનામાં PFIનું કનેક્શન બહાર આવ્યું - પીએફઆઇની રચના

હાથરસમાં થયેલી હિંસામાં કથિત સંડોવણીના આરોપસર ઉત્તર પ્રદેશ પોલીસે એવા ચાર લોકોની ધરપકડ કરી હતી. જેઓ કટ્ટરવાદી ગણાતા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ની સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. પોલીસે કહ્યું હતું કે જ્યારે આ ચાર લોકો દિલ્હીથી હાથરસ જઇ રહ્યા હતા ત્યારે મથુરા ખાતેથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર જણાને મુઝફ્ફરપુરના અતિક-ઉર-રહેમાન, મલ્લાપુરમના સિદ્દિક, બહેરાઇચના મસુદ અહેમદ અને રામપુરના આલમ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.

હાથરસની ઘટનામાં પીએફઆઇનું કનેક્શન બહાર આવ્યું
હાથરસની ઘટનામાં પીએફઆઇનું કનેક્શન બહાર આવ્યું

By

Published : Oct 8, 2020, 10:24 PM IST

ઉત્તર પ્રદેશ પોલીસનો દાવોઃ-

પોલીસે એવો દાવો કર્યો હતો કે તેણે આ ચાર લોકો પાસેથી તેઓના મોબાઇલ ફોન, લેપટોપ અને એવું કેટલુંક સાહિત્ય જપ્ત કર્યું હતું જેની મદદથી ઉત્તર પ્રદેશની શાંતિ અને સ્થિરતાનો ભંગ થઇ શકે તેમ હતો. ધરપકડ કરાયેલા ચાર લોકોમાં મલયાલમ ન્યૂઝ પોર્ટલ માટે કામ કરતાં એક દિલ્હી સ્થિત પત્રકારનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં તેઓની સામે કલમ 151 હેઠળ પગલાં લેવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ પોલીસના કહેવા અનુસાર આ ચાર આરોપીઓ પીએફઆઇ અને તેની સહયોગી સંસ્થા કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (સીએફઆઇ) સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સીટીઝન્સ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના હિંસક વિરોધ પ્રદર્શનોમાં પણ આ સંસ્થાની સંડોવણી બહાર આવતા પોલીસે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવાની ભલામણ કરી હતી.

મુખ્યમંત્રી યોગીનું નિવેદનઃ-

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપ મૂક્યો હતો કે તેમની સરકારને બદનામ કરવા એક આંતરરાષ્ટ્રીય કાવતરું રચાયું હતું અને તેના એક ભાગરૂપે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી અને બાદમાં મૃત્યુ પામેલી 19 વર્ષિય દલિત યુવતિના નામે જિલ્લામાં જાતિવાદી અને કોમવાદી હિંસા ફેલાવવાની યોજના હતી.

પીએફઆઇનો પ્રતિભાવઃ-

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ આ ચાર લોકોની ધરપકડને વખોડી નાંખી હતી અને તેને અત્યંત ખેદજનક અને ગેરકાયદે ગણાવી હતી. તે સાથે પીએફઆઇએ ઉત્તર પ્રદેશ સરકાર ઉપર રાજ્યમાં કથડતી જતી કાયદો ને વ્યવસ્થાની સ્થિતિને સંતાડવા તેને ટાર્ગેટ બનાવવાનો આરોપ મૂક્યો હતો. તે ઉપરાંત પીએફઆઇએ એવો પણ આરોપ મૂક્યો હતો કે કાવતરાની થિયરી રજૂ કરીને ઉત્તર પ્રદેશ સરકાર હાથરસની ઘટના ઉપરથી લોકોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારની દબાણ લાવવાની આ પ્રકારની યુક્તિઓથી પીએફઆઇ સહેજપણ ગભરાશે નહીં. અમે સીએફઆઇના નેતા અને પત્રકાર સિદ્દીક કપ્પનને તાત્કાલિક છોડી મૂકવાની માંગ કરીએ છીએ એમ પીએફઆઇના જનરલ સેક્રેટરી અનિશ અહેમદે કહ્યું હતું.

પીએફઆઇ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) શું છે?

કર્ણાટકા ફોરમ ફોર ડિગ્નિટિ (કેએફડી), નેશનલ ડેવલોપમેન્ટ ફ્રન્ટ (એનડીએફ) અને મનિથા નિથિ પસારાઇ( એમએનપી) જેવા દક્ષિણ ભારત સ્થિત કેટલાંક મુસ્લિમ સંગઠનોએ ભેગા મળીને 2006ની સાલમાં પીડીઆઇની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ ગ્રૂપ શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમો માટે અનામત જેવા કેટલાંક મુસ્લિમ સમાજને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા ભેગું થયું હતું. ત્યારબાદ 1992માં અયોધ્યા ખાતે બાબરી મસ્જિદનો વિધ્વંશ થયો ત્યારબાદ અસ્તિત્વમાં આવેલાં મુસ્લિમ સંગઠનોએ ભેગા મળીને 2006ની સાલમાં કેરળમાં પીએફઆઇની સ્થાપના કરી હતી. તાજેતરના દિવસોમાં સીએએના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં તેની ભૂમિકા બદલ અને આ વર્ષે ફેબ્રુઆરી-2020માં દિલ્હીમાં ફાટી નીળેલા કોમી રમખાણોમાં તેની કથિત સંડોવણી બદલ તે સરકારની નજરમાં આવી ગયું હતું.

પીએફઆઇનો દીર્ઘ આશય અને હેતુ

પીએફઆઇ પોતાના દીર્ઘ આશય અને હેતુની વ્યાખ્યા કરતાં કહે છે કે દલિતો, આદિવાસીઓ, ભાષાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ લઘુમતી ગણાતી કોમના લોકોને, પછાત વર્ગોને અને મહિલાઓને ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં યોગ્ય સ્થાન મળતું નથી જેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પછાત રાષ્ટ્ર બની ગયું છે.

સમાજના દબાયેલા અને કચડાયેલા લોકોના રાજકીય, સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સશક્તિકરણના લક્ષ્યને હાંસલ કરવાના વિવિધ પ્રયાસોનું યોગ્ય મેનેજમેન્ટ અનં સંકલન કરવાની દિશામાં પીએફઆઇ એક પહેલ છે. સંસ્થાએ કહ્યું હતું કે તેનો આશય અને હેતુ દેશમાં એવા એક ‘સમાન’ સમાજની સ્થાપનો કરવાનો છે જેમાં તમામ લોકો સંવતંત્રતા, ન્યાય અને સલામતિને માણી શકે. જો કે આ ગ્રૂપ એમ કહે છે કે તે સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા તમામ લોકો માટે લડત આપે છે, પરંતુ તેના મોટાભાગના કાર્યકરો મુસ્લિમો છે.

પીએફઆઇની રચના કેવી રીતે થઇ?

આરંભના દિવસોમાં એનડીએફનું કાર્યક્ષેત્ર કેરળ પૂરતું સિમિત હતું, પરંતુ બાદમાં તેની લોકપ્રિયતા વધતાં કેરળ, કર્ણાટક ને તામિલનાડુના સમાન વિચારધારા ધરાવતા સંગઠનોને ભેળવી દઇ એક વિશાળ સંગઠન રચીને તેનો પ્રભાવ સમગ્ર દેશભરમાં ફેલાલવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદના ત્રણ વર્ષો દરમ્યાન ગોવાનું સીટીઝન્સ ફોરમ, રાજસ્થાનની કોમ્યુનિટિ સોસિયલ એન્ડ એજ્યુકેશનલ સોસાયટી, પશ્ચિમ બંગાળની નાગરિક અધિકાર સુરક્ષા સમિતિ, મણિપુરનું લિલોંગ સોસિયલ ફોર, આંધ્ર પ્રદેશનું અસોસિયેશન ઓફ જસ્ટિસ જેવી કેટલીક સંસ્થાઓને પીએફઆઇમાં ભેળવી દેવામાં આવી હતી. જો કે આ સંસ્થામાં વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ હોવા છતાં પીએફઆઇની સૌથી વધુ અસરકારક પ્રવૃત્તિઓ કેરળમાં જ થાય છે.

આરોપઃ-

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા ઉપર મુખ્ય આરોપ એવો છે કે તેણે આ વર્ષના આરંભે સીટીઝન્સ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ દેશભરમાં ઠેર ઠેર થયેલા વિરોધ પ્રદર્શનો માટે નાણાં પૂરા પાડ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે પણ અગાઉ પીએફઆઇ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. દિલ્હી પોલીસનું પણ માનવું છે કે દિલ્હીમાં થયેલા કોમી રમખાણો પાછળ પીએફઆઇનો હાથ હતો. છેલ્લે બેંગાલુરુ પોલીસે પણ 11 ઓગસ્ટના રોજ ડીજી હલ્લી ખાતે થયેલી હિંસામાં પીએફઆઇની સંડોવણી હોવાનો સંકેત આપ્યો હતો.

પીએફઆઇએ કેરળમાં કયા કયા હુમલા કર્યા હતા?

પીએફઆઇ દ્વારા આચરવામાં આવેલા વિવિધ અત્યાચાર પૈકી સૌથી કુખ્યાત બનેલી એક ઘટનામાં પીએફઆઇના કાર્યકરોએ કેરળના એવા એક પ્રોફેસરનો હાથ કાપી નાંખ્યો હતો જેણે મોહંમદ પૈગંબર સાહેબ વિરુદ્ધ નિવેદન કરીને કેટલાંક મુસ્લિમ વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી. આ ઘટનાએ રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ તે સિવાય પણ પીએફઆઇ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા હતા. કેરળ સરકારે કેરળ હાઇકોર્ટમાં સુપરત કરેલા રિપોર્ટની માહિતી અનુસાર 2012ની સાલમાં પીએફઆઇના કાર્યકરો 27 જેટલા હત્યાકેસમાં સક્રિય રીતે સંડોવાયેલા હતા, અને મોટાભાગની હત્યાઓ સીપીઆઇ-એમ અને આરએસએસના કાર્યકરોની હતી. 2014ની સાલમાં સુપરત કરેલાં અન્ય એક અહેવાલમાં કેરળ સરકારે કહ્યું હતું કે પીએફઆઇના કાર્યકરો વિરુદ્ધ 86 જેટલા હત્યાનો પ્રયાસ કરવાના કેસ નોંધાયેલા હતા.

શું પીએફઆઇ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલું છે ખરુ?

કેરળ પોલીસે પૂરી પાડેલી માહિતી અનુસાર પીએફઆઇના 10 કાર્યકરો ઇસ્લામિક સ્ટેટ વતી લડવા સિરિયા ગયા હતા. કુન્નુરના કંજીરંગોડે નિવાસી અને ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર શાહજહાંની પૂછપરછ દરમ્યાન કેરળ પોલીસને જાણવા મળ્યું હતું કે પીએફઆઇના કેટલાંક કાર્યકરો સિરિયા ગયા હતા. જો કે શાહજહાંને પણ ગેરકાયદે સરહદ પાર કરવાનો પ્રયાસ કરવા બદલ તૂર્કિની સરકારે ભારત પાછો તગેડી મૂક્યો હતો. પીએફઆઇએ પણ બાદમાં એકરાર કર્યો હતો કે તે લોકો તેના સભ્યો હતા. જો કે તે સાથે એવો પણ દાવો કર્યો હતો કે હવે તેઓએ પાર્ટી છોડી દીધી છે.

પીએફઆઇ ઉપર પ્રતિબંધ મૂકવાની કોઇ દરખાસ્ત છે ખરી?

2017ના ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પીએફઆઇ ઉપર પ્રતિબંધ મૂકવો કે નહીં તેની ચર્ચા કરવા શ્રેણીબદ્ધ મિટિગો યોજી હતી. મંત્રાલયે પીએફઆઇના કાર્યકરો જે કેસોમાં સંડોવાયેલા હતા તે તમામ કેસની સમીક્ષા પણ કરી હતી.

પ્રતિબંધ મૂકવા નવી દરખાસ્ત કેમ?

1 જાન્યુઆરી, 2020ના રોજ કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સીએએ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં પીએફઆઇની ભૂમિકા શંકાસ્પદ હતી તેથી આ સંગઠન ઉપર લેવાનારા પગલાં અંગે ગૃહ મંત્રાલય નિર્ણય કરશે. આસામ અને ઝારખંડ સહિતના કેટલાંક રાજ્યોએ પણ આ સંગઠન ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ રાજ્યોનો આરોપ છે કે કર્ણાટકમાં થયેલી હિંસા અને ત્રાસવાદી ઘટનાઓમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને સોસિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઇ)એ સક્રિય ભૂમિકા ભજવી હતી. ગૃહમંત્રી બસવરાજ બોમ્માઇ જાન્યુઆરી, 2020માં યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પીએફઆઇ અને એસડીપીઆઇની સાથએ અન્ય કેટલાંક બીજા સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂકવા વિચારણા ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details