2019માં કેવી છે પરિસ્થિતી !
અમુક નેતાઓના કદ વધી ગયા છે. અમુક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. અડધાથી ઉપરના નેતા ઈનેલો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યા છે. એક સમયે રાજ્યમાં ફક્ત ચાર સીટો જીતનારી ભાજપની સ્થિતિ હાલમાં મજબૂત છે. પેલી કહેવત છે કે, ઉગતા સૂરજને સૌ કોઈ સલામ કરે છે. અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં આવનારા નેતાઓની ઘટનાઓ આ વાતની સાક્ષી પુરે છે.
વિધાનસભાની ચૂંટણીમાં હાલ તો મુખ્ય બે પાર્ટીઓ જ સત્તાના દાવેદારી માટે ફિટ બેસે છે. ભાજપ અને કોંગ્રેસ. ક્યારેક સત્તામાં રહેલી અને લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરેલી ઈન્ડિયન નેશનલ લોકદળ પરિવારમાં ભંગાણ બાદ અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. તો આ બાજુ જનનાયક જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ઈનેલોએ જેજેપી સાથે ગઠબંધન તોડી બસપામાં સામેલ થઈ ગયું છે.
સત્તા માટે પ્રબળ દાવેદાર ભાજપ
સૌથી પહેલા વાત કરીએ સત્તાધારી ભાજપની. ગત ચૂંટણીમાં 47 સીટ જીતીને સત્તા પર આવેલી ભાજપ આ વખતે 75 પણ વધું સીટોના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. હાલમાં જ લોકસભા ચૂંટણી પરિણામ અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ભાજપનો જોમ વધ્યું છે. ભાજપે લોકસભામાં તમામ 10 સીટ જીતી હતી. સાથે જ જો આંકડાઓ પર નજર કરીએ તો લગભગ 70થી પણ વધારે વિધાનસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો ઘણા ચર્ચામાં છે. હવે રાજ્યમાં ભાજપે દક્ષિણ હરિયાણાથી લઈ નૂંહ સુધી ખાસી પકડ બનાવી લીધી છે.
ક્યા મુદ્દા પર લડાશે ચૂંટણી
ભાજપની વાત કરીએ તો ભાજપ ફરી એક વખત રાષ્ટ્રવાદના મુદ્દાને ધ્યાને રાથી 75 પ્લસનો લક્ષ્યાંક મેળવવા મથામણ કરી રહી છે. મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાનના રુપમાં મુખ્ય ચહેરા તરીકે ભાજપ આગળ ધરી રહ્યું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, મેયરની ચૂંટણી, પેટાચૂંટણી અને લોકસભા ચૂંટણી તેમની આગેવાનીમાં લડી અને શાનદાર જીત મેળવી છે. એટલા માટે ભાજપે ફરી એક વાર ખટ્ટર પર વિશ્વાસ મુક્યો છે.
કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ બન્યું માથાનો દુ:ખાવો
હરિયાણામાં સૌથી વખત રાજ કરનારી પાર્ટી કોંગ્રેસમાં હાલ અનેક ડખા જોવા મળે છે. પાર્ટીમાં અનેક ભાગલા પડેલા છે.પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રોહતકમાં મહાપરિવર્તન રેલી કરી હાઈકમાનને આંખ બતાવવાનો કિમીયો અપનાવ્યો હતો, પણ કોંગ્રેસે હરિયાણામાં કાયાપલટ કરી સ્થિતી થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. અશોક તંવર અને હુડ્ડાની લડાઈ જગજાહેર છે. જેનું દુષ્પરિણામ તંવરને ભોગવવાનો વારો આવ્યો. તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. તો આ બાજુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ચૂંટણી સમિતિની ચેરમેન બનાવી દીધા. ચૂંટણીમાં પ્રદર્શનની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓને ખરાબ રીતે હારવાનો વારો આવ્યો હતો. ફક્ત હુડ્ડા પિતા-પુત્ર જીત્યા અને થોડી લાજ બચાવી રાખી.
પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા હરિયાણા કોંગ્રેસની તાકાત પણ છે અને મજબૂરી પણ છે. તેઓ પ્રદેશ અધ્યક્ષ બદલવાથી લઈ પોતાની અનેક માગ પુરી કરવામાં સફળ રહ્યા છે. તેથી કોંગ્રેસને પણ હુડ્ડા પરિવારની આગેવાનીમાં સત્તા પર આવવાનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, પ્રદેશમાં ભાજપની બોલબાલા હોવા છતાં પણ કોઈ નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા નથી. તો પરિસ્થિતીનો તાગ મેળવી હુડ્ડાએ પ્રદેશમાં એનઆરસી અને 370 બાબતે ભાજપનું સમર્થ કરી બદલાયેલી રાજનીતિનો પરિચય પણ આપી દીધો. જો કે, હાલમાં કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથવાદ છે.