ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાર્વર્ડ સાથે સંલગ્ન હોસ્પિટલોએ જિન-આધારિત કોવિડ-19 રસીની જાહેરાત કરી - મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ

કોવિડ-19 માટેની પ્રથમ મંજૂરીપ્રાપ્ત રસી તૈયાર કરવાની વૈશ્વિક સ્પર્ધામાં એક નવો વળાંક આવ્યો છે. હાર્વર્ડ સાથે સંલગ્ન બે ટિચિંગ હોસ્પિટલ્સે AAVCOVID તરીકે ઓળખાતી એક પ્રયોગાત્મક રસીના ટેસ્ટિંગ અને પરીક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી હોવાની જાહેરાત કરી છે.

હાર્વર્ડ સાથે સંલગ્ન હોસ્પિટલોએ જિન-આધારિત કોવિડ-19 રસીની જાહેરાત કરી
હાર્વર્ડ સાથે સંલગ્ન હોસ્પિટલોએ જિન-આધારિત કોવિડ-19 રસીની જાહેરાત કરી

By

Published : May 10, 2020, 9:07 AM IST

હૈદરાબાદ: વિશ્વભરમાં કોરોનાવાઇરસના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મેસેચ્યુસેટ્સ આઇ એન્ડ ઇયર તેમજ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ (એમજીએચ) સ્થિત હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ AAVCOVID તરીકે ઓળખાતી એક પ્રયોગાત્મક રસીના પરીક્ષણ અને વિકાસ અંગે પ્રગતિ સાધી હોવાની જાહેરાત કરી છે.

AAVCOVID એ કોવિડ-19 જેના કારણે થાય છે, તે SARS-CoV2 વાઇરસ સામેની જિન બેઝ્ડ વેક્સિન છે. આ એક અનોખી, જિન-બેઝ્ડ વેક્સિન વ્યૂહરચના છે, જે હાનિરહિત વાઇરલ કેરિયરનાં તત્વોનો ઉપયોગ કરતી ચિકિત્સા ક્ષેત્રે પ્રસ્થાપિત જિન ટ્રાન્સફર ટેકનોલોજી – એડિનો એસોસિએટેડ વાઇરલ (AAV)નો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, SARS-CoV-2 સ્પાઇક એન્ટિજેનની જિનેટિક સિક્વન્સ પહોંચાડવા માટે AAVનો ઉપયોગ થાય છે, જેથી શરીર કોરોનાવાઇરસ સામે રોગપ્રતિકારક પ્રતિક્રિયા વિકસાવી શકે.

જિન થેરેપી ક્ષેત્રે આ ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે અને AAV-બેઝ્ડ દવાઓના ઉત્પાદન તેમજ ક્લિનિકલ ઉપયોગ માટે નોંધપાત્ર અનુભવ તથા ક્ષમતા ઉપલબ્ધ છે.

આ રસી વિશે વાત કરતાં મેસેચ્યુસેટ્સ આઇ એન્ડ ઇયર ખાતે ગ્રોઉઝબેક જિન થેરેપીના ડિરેક્ટર તથા હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતે એસોસિએટ પ્રોફેસર ઓફ ઓપ્થેમોલોજી લ્યુક એચ. વેન્ડનબર્ગના જણાવ્યા પ્રમાણે, વર્તમાન સમયમાં આ રસી વિકસાવવાની પ્રક્રિયા પ્રિ-ક્લિનિકલ તબક્કામાં છે અને માણસો પર તેનું પરીક્ષણ આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ કરવામાં આવશે.

“AAV એ જિનની સલામત અને કાર્યક્ષમ ડિલીવરી માટેની એક ચઢિયાતી ટેકનોલોજી છે અને AAVCOVIDમાં અમે જે અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ, તે માત્ર એક જ ઇંજેક્શનથી SARS-CoV-2 સામે શક્તિશાળી રોગપ્રતિકારકતાનો સંચાર કરવામાં સહાયક બને છે," તેમ તેમણે જણાવ્યું હતું.

વેન્ડનબર્ગ અને તેમની લેબોરેટરીએ વુહાનમાં આ રોગચાળો ફાટી નીકળ્યો અને નવા કોરોનાવાઇરસની જિનેટિક સિક્વન્સ પ્રથમ વખત પ્રસિદ્ધ થઇ, તેને પગલે જાન્યુઆરીના મધ્ય ભાગમાં જ રસી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

વેન્ડનબર્ગે ઉમેર્યું હતું કે, “કટોકટીની સ્થિતિમાં અમે અણુ જીવવિજ્ઞાનનો ઉપયોગ કરીને અઠવાડિયાઓમાં રસી તૈયાર કરી શકીએ છીએ અને અહીં એમ જ કરવામાં આવ્યું છે. હવે, અમારા નવતર અભિગમની અસરકારકતા તથા સલામતી પ્રસ્થાપિત કરવા માટે ક્લિનિકલ અભ્યાસો હાથ ધરાય, તે જરૂરી છે.”

આ ઉપરાંત સંશોધકોના મતે, AAV એ ઝડપથી અપનાવી શકાય તેવી ટેકનોલોજી છે. જો SARS-CoV-2 વાઇરસનો નવતર પ્રકાર ઉદ્ભવે, તો અપડેટેડ જિનેટિક કોડ માટે AAVCOVID રસી અંદરનો જિનેટિક કોડ એક્સચેન્જ કરી શકાય છે અને તેને ગણતરીના સપ્તાહોની અંદર અપડેટેડ રસીમાં પ્રોસેસ કરી શકાય છે.

AAVCOVID વેક્સીન ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં પ્રાણીઓનાં મોડેલ્સમાં તેનાં પરીક્ષણો થઇ રહ્યાં છે અને પ્રારંભિક ઉત્પાદનની પ્રવૃત્તિ શરૂ થઇ ચૂકી છે. પ્રિક્લિનિકલ તારણોના આધારે, પછીથી માનવીમાં તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુ જણાવતાં એચએમએસ ખાતે પ્રોફેસર ઓફ ઓપ્થેમોલોજી અને માસ ખાતે ચીફ ઓફ ઓપ્થેમોલોજી જોઆન મિલરે જણાવ્યું હતું કે, "શોધ કંઇક આ પ્રકારની જણાય છે. તે વેન્ડનબર્ગ અને તેમની ટીમની વૈજ્ઞાનિક સૂઝ તથા આ કાર્યક્રમને તીવ્ર ગતિએ એક વિચારમાંથી આશાસ્પદ રસીમાં રૂપાંતરિત કરવા માટે એક થયેલી સંસ્થાઓ તથા ડોનર્સના ચપળ અને સામૂહિક જુસ્સાનું મિશ્રણ છે."

ટીમને માસ જનરલ અને માસ જનરલ બ્રિગેમ ઇનોવેશન ફંડ ખાતેના નિષ્ણાતો દ્વારા સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે. સાથે જ વેક્સિન વિકસાવવા ક્ષેત્રે, નિયમનકારી બાબતો અને ઉત્પાદન ક્ષેત્રે અનુભવ ધરાવતા ઉદ્યોગ નિષ્ણાતો પણ તેમની સાથે સંકળાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંશોધન માટે Wyc ગ્રાઉઝબેક, એમિલિયા ફેઝેલરી તથા અન્ય દાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details