ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર આજે શરૂ થશે. નાણાં પ્રધાન નીતિન પટેલ આજે બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરવાની સાથે જ તેઓ એક રેકોર્ડ બનાવશે. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાના નામે છે.
સરકારમાં તો નંબર 2 પર ખરા જ, હવે આ બાબતે પણ નીતિનભાઈ બીજા નંબરે..!
ગુજરાત સરકારમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન તરીકે નીતિનભાઈ પટેલ CM વિજય રૂપાણી પછીના નંબર પર છે, પરંતુ આજે બજેટ રજૂ કરવા સાથે સૌથી વધુ વાર બજેટ રજૂ કરનારા નાણાં પ્રધાનોમાં પણ તેઓ બીજા નંબરે આવી જશે.
બજેટ રજૂ કરવાના ઈતિહાસની વાત કરીએ તો કેશુભાઈ પટેલના સાશનકાળમાં 1998થી 2001 અને ત્યારબાદ 2002થી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 2014 સુધી 18વાર ભાજપની સરકારમાં બજેટ રજૂ કરાયા હતાં. 2012 પછી વજુભાઈના બદલે નીતિન પટેલને નાણાં પ્રધાન બનાવાયા હતાં. આનંદીબેન મુખ્યપ્રધાન હતા ત્યારે સૌરભ પટેલને નાણાં મંત્રાલયનો હવાલો સોંપાયો હતો, પરંતુ 2017થી રુપાણી સરકારમાં ફરીવાર નીતિન પટેલને નાણાં પ્રધાન બનાવાયા છે.
અત્યાર સુધીમાં નીતિન પટેલ સાતવાર બજેટ રજૂ કરી ચૂક્યા છે. આજે તેઓ આઠમીવાર બજેટ રજૂ કરશે. નીતિનભાઈ પટેલે બે વાર લેખાનુદાન અને પાંચ વખત પૂર્ણ બજેટ રજૂ કર્યુ છે.