ન્યૂઝ ડેસ્ક: પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કુદરતને પ્રાધાન્ય આપીને નાના પાયે લગ્ન પ્રસંગનું આયોજન કરવાનું પ્રચલન વધ્યું છે, કારણ કે વિચારશીલ અભિગમ પૃથ્વી પર સકારાત્મક અસર ઉપજાવે છે, તેમ કાજલ અગરવાલ સહિતની ખ્યાતનામ હસ્તીઓ માટે ટ્રાન્સપોર્ટિવ લગ્ન સમારંભોનું આયોજન કરવા માટે જાણીતાં લક્ઝુરિયસ ઇવેન્ટ પ્લાનર અંબિકા ગુપ્તાએ જણાવ્યું હતું. અંબિકા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય ધરાવતી અને છતાં આગવી છાપ છોડતી અભિવ્યક્તિને પણ ઉત્તેજન આપે છે.
તેઓ જણાવે છે, "મહામારી આપણને ઘણું શીખવી ગઇ છે. હવે આપણે બેફામપણે આપણાં સંસાધનોનો ઉપયોગ કરી શકીએ નહીં, અઢળક કચરો ઉત્પન્ન કરી શકીએ નહીં અને આવતીકાલની ચિંતા કર્યા વિના વપરાશ કરી શકીએ નહીં, કારણ કે ભવિષ્ય વિશે વિચારવું જરૂરી છે. જો આપણે આપણો દ્રષ્ટિકોણ ન બદલ્યો, તો આવતી પેઢીએ પર્યાવરણની કટોકટીની નકારાત્મક અસરોનો ગંભીરપણે સામનો કરવો પડશે."
આશરે આઠ વર્ષ અગાઉ ચેન્નઇમાં એ-ક્યુબ પ્રોજેક્ટની સ્થાપના કરનારાં અંબિકા વેડિંગ પ્લાનિંગ અને ડિઝાઇન ક્ષેત્રે ઘણી નામના ધરાવે છે. આ વર્ષે તેમણે કોરોનાના પડકાર વચ્ચે કામ કરવું પડ્યું હતું. સલામતીનાં તમામ પગલાંઓ અનુસરીને તેમણે ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું અને તેમણે તેમના ક્લાયન્ટ્સ સાથે પર્યાવરણ પ્રત્યે વધુ ઉત્તરદાયી અને કુદરતનાં તત્વો સાથે અનુકૂળ હોય, તેવાં લગ્ન સમારોહ અંગે વાતચીત કરવાનું પણ શરૂ કર્યું હતું.
અંબિકા કહે છે, "મહામારીને કારણે પરિવારોને નાના પાયે પ્રસંગોનું આયોજન કરવાની ફરજ પડી હતી. તેને પગલે સ્વાભાવિક રીતે જ વ્યર્થ ચીજવસ્તુઓ પાછળના ખર્ચા પર કાપ મૂકાઇ ગયો હતો, પરંતુ મારા ઘણાં ક્લાયન્ટ્સ પણ પર્યાવરણ અંગે ચિંતિત છે અને તેઓ ઇચ્છે છે કે તેમનાં લગ્ન પ્રસંગો દ્રષ્ટાંતરૂપ બની રહે. જેમકે, પોન્ડિચેરીમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં નવદંપતીએ અને મારી ટીમે ફૂલો તથા ભોજનના થતા બગાડની સમસ્યા નિવારવા માટે ઘણી મહેનત કરી હતી. પર્યાવરણની સમસ્યાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ નવવધૂએ આ માટે અમને ખાસ વિનંતી કરી હતી. આથી, લગ્ન સમારોહમાં વપરાયેલાં ફૂલોનો ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લગ્ન બાદ વધેલું ભોજન સ્થાનિક લોકોમાં વહેંચી દેવાયું હતું. આ માટે ઇન્ડિયા વેસ્ટેડ અને ધી રોબિન હૂડ આર્મીએ અમને મદદ પૂરી પાડી હતી. "
ઇકો-ફ્રેન્ડલી લગ્ન માટે અંબિકા કેટલીક ટિપ્સ આપે છેઃ
- સ્થાનિક ફૂલોનો આગ્રહ રાખો, કારણ કે, આમ કરવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે અને આ સમયે નાણાંકીય તંગી અનુભવી રહેલા બાગાયતી ખેડૂતોને મદદ મળી રહેશે. અતિશય ફૂલોનો ઉપયોગ કરવાને બદલે, ધ્યાનાકર્ષક હોય તેવી અન્ય વ્યવસ્થા પસંદ કરો.
- સ્ટોરમાંથી ગિફ્ટ્સ ખરીદવાને બદલે કારીગરોને સહાય પૂરી પાડતી હોય, તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) પાસેથી ચીજવસ્તુઓ ખરીદો. પોન્ડિચેરીમાં અંબિકાએ જે લગ્ન પ્રસંગનું પ્લાનિંગ કર્યું હતું, તેમાં પુરકલ સ્ત્રી શક્તિ (ઉત્તરાખંડ સ્થિત એનજીઓ) દ્વારા તૈયાર કરવામાં આવેલી વાન ગોગથી પ્રેરિત એમ્બ્રોઇડરી ધરાવતી જ્યુટની બેગ્ઝ મહેમાનોને આપવામાં આવી હતી.