નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરોને રાહત આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન જે પણ મુસાફરોએ કોઈપણ ઘરેલું અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે, તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સંદર્ભે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોકડાઉન દરમિયાન બુક કરાયેલી ટિકિટ અને તેમની રિફંડ નીતિનો ઉલ્લેખ કરીને તમામ ખાનગી એરલાઇન્સના સીઈઓને બુધવારે સમન્સ જાહેર કર્યું હતું.
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, મીટિંગ દરમિયાન સરકારે એરલાઇન્સના સીઇઓને ક્રેડિટ સેલની માન્યતા એક વર્ષથી ઘટાડીને છ મહિના કરવા જણાવ્યું છે. જો મુસાફરો આ સમયગાળાની અંદર સુવિધાનો લાભ નહીં લેતા તો તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ વર્તમાન કટોકટીમાં તમામ મુસાફરોને રિફંડ પરત આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો દ્વારા ટિકિટ બુક કરાઈ હતી. જો કે, લોકડાઉન પુરો થતાં અને ફ્લાઇટ્સ શરૂ થતાં તેમને બુકિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.