અગાઉ બુધવારે રાફેલ ડીલને લઈને એટર્ની જનરલ વેણુગોપાલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ દસ્તાવેજો ચોરી થયાની વાત કરી હતી. વેણુગોપાલે રાફેલ નિર્ણયની રિવ્યુ અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરુણ શૌરીની અરજી જે દસ્તાવેજોનો હવાલો આપી રહી છે, તે ચોરી થયેલા દસ્તાવેજો પર આધારિત છે. કારણ કે, આ દસ્તાવેજોના આધાર પર અમુક સમાચારપત્રોએ અને ન્યૂઝ એજન્સીએ સમાચાર તરીકે ચલાવ્યા હતાં.
આવી મોટી સનસની માહિતી ફેલાયા બાદ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈએ પુછ્યું હતું કે, મિસ્ટર એટર્ની... આ લેખ મીડિયામાં ક્યારે છપાયો? જેના જવાબમાં વેણુગોપાલે કહ્યું હતું કે, માઈ લોર્ડ 8 ફેબ્રુઆરીએ, તો કોર્ટે ફરી સવાલ કર્યો હતો કે, ત્યારથી અત્યાર સુધી લગભગ એક મહિનાનો સમય વીતી ગયો છે. આ મામલે તમે શું કાર્યવાહી કરી? જેના સવાલ પર એટર્નીએ કહ્યું હતું કે, હાલ તો તપાસ ચાલી રહી છે.