નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મદન બી.લોકુરએ સોમવારે કહ્યું કે, લોકોના મંતવ્યના જવાબમાં સરકાર બોલવાની સ્વતંત્રતા અટકાવવા રાજદ્રોહના કાયદાનો આશરો લઈ રહી છે. ન્યાયમૂર્તિ (નિવૃત્ત) લોકુરે 'વાણી સ્વાતંત્ર્ય અને ન્યાયતંત્ર' વિષય પર વેબિનારને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાષણની સ્વતંત્રતાને કચડી નાખવા માટે, સરકાર લોકો પર નકલી સમાચાર ફેલાવવાનો આરોપ લગાવવાની પદ્ધતિ અપનાવી રહી છે.
મદન બી.લોકુર જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ કેસ અને તેનાથી સંબંધિત વેન્ટિલેટરનો અભાવ જેવા મુદ્દાઓ પર રિપોર્ટ કરતા પત્રકારો ઉપર નકલી સમાચારોની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
ન્યાયાધીશ લોકુરએ કહ્યું કે, સરકાર બોલવાની સ્વતંત્રતા અટકાવવા રાજદ્રોહ કાયદાનો આશરો લઈ રહી છે. અચાનક આવા કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં લોકો પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાંઇ પણ બોલતા સામાન્ય નાગરિક ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં દેશદ્રોહના 70 કેસ જોવા મળ્યા છે.
એડ્વોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના તિરસ્કાર મામલા અંગે મદન બી.લોકુરએ કહ્યું હતું કે, તેમના નિવેદનો ખોટી રીતે વાંચવામાં આવ્યા છે. તેમણે ડૉ.કફિલ ખાનના કેસનું ઉદાહરણ પણ ટાંક્યું અને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ આક્ષેપો કરતી વખતે તેમનું ભાષણ અને નાગરિકતા સુધારો અધિનિયમ વિરુદ્ધના નિવેદનો ખોટી રીતે વાંચવામાં આવ્યા હતા.
આ વેબિનારનું અભિયાન ન્યાયિક જવાબદારી અને સુધારણા અને સ્વરાજ અભિયાન દ્વારા યોજવામાં આવ્યું હતું.