હરિયાણાના રોહતક જિલ્લાની રહેવાસી યુવતી તેના પાકિસ્તાની ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ. પાકિસ્તાન પહોંચવા માટે યુવતીએ શીખોના પવિત્ર ધર્મસ્થાન ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શને જવાનું બહાનું કર્યું. પરંતુ પાકિસ્તાની રેન્જર્સને શંકા જતાં તેણે યુવતીને પકડીને કરતારપુર કોરિડોરના રસ્તે જ ભારત પરત મોકલી આપી.
મળતી માહિતી મુજબ યુવતી હરિયાણાના રોહતક જિલ્લાની રહેવાસી છે અને તે કરતારપુર કોરિડોરના રસ્તે ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા આવી હતી. બીજી તરફ યુવતીનો ફેસબુક ફ્રેન્ડ અવેશ મુખ્તિયાર પણ તેના એક મિત્ર અને તેની પત્ની સાથે ગુરુદ્વારા સાહિબ આવી પહોંચ્યો હતો. અવેશ મુખ્તિયાર અને ભારતીય યુવતી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં પ્રથમ માળે મળ્યા હતાં. બન્ને વચ્ચે ત્યાં વાતચીત થઈ અને યુવતીએ ત્યાં જ લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.
અવેશ મુખ્તિયારે ભારતીય યુવતીના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. બન્ને લગ્ન કરે એ પહેલાં જ પાકિસ્તાની રેન્જર્સને બન્ને પર શંકા જતાં તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.