નવી દિલ્હીઃ વર્ષ 2019માં દુનિયામાં સૌથી પ્રદુષિત રાજધાની શહરોની સૂચિમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિશ્વના 30 સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં 21 ભારતના છે.
'આઇક્યુએર એર વિઝ્યુઅલ' દ્વારા તૈયાર 2019ની વિશ્વ વાયુ ગુણવત્તા અનુસાર, દુનિયામાં ગાઝિયાબાદ સૌથી પ્રદુષિત શહેર છે. જે બાદ ચીનમાં હોતન, પાકિસ્તાનમાં ગુજરાંવાલા તેમજ ફૈસલાબાદ અને ત્યારબાદ દિલ્હીનું નામ છે.
વિશ્વના 30 સર્વાધિક પ્રદુષિત શહેરોમાં 21 ભારતીય શહેરોમાં ક્રમથી ગાઝિયાબાદ, દિલ્હી, નોઇડા, ગુરૂગ્રામ, ગ્રેટર નોઇડા, બંધવારી, લખનઉ, બુલંદશહર, મુઝફ્ફરનગર, બાગપત, જીંદ, ફરીદાબાદ, કોરોત, ભિવાડી, પટના, પલવલ, મુઝફ્ફરપુર, હિસાર, કુટેલ, જોધપુર અને મુરાદાબાદ છે. દેશોના આધારે સૂચિમાં બાંગ્લાદેશ સૌથી ઉપર છે, જે બાદ પાકિસ્તાન, મંગોલિયા અને અફ્ઘાનિસ્તાન તથા પાંચમા નંબર પર ભારત છે. જો કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના શહેરોએ ગત્ત વર્ષોમાં સુધારો લાવ્યો છે.
આઇક્યુએરના CEO ફ્રેન્ક હેમ્સે કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના વાયરસ આજ કાલ ચર્ચામાં છે, પરંતુ વાયુ પ્રદુષણ દર વર્ષે 70 લાખથી વધુ લોકોનો ભોગ લે છે. દુનિયાના સૌથી મોટા ભાગમાં વાયુ ગુણવત્તા આંકડામાં અંતર એ એક ગંભીર સમસ્યા છે, કારણ કે, જેને માપી શકાય નહીં, તેના પર પ્રતિબંધ કઇ રીતે લાવી શકાય.'.
આ રિપોર્ટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ગ્રીનપીસ ઇન્ડિયાના સીનિયર કેન્પેનર અવિનાશ ચંચલે કહ્યું કે, પ્રદુષણને નિયંત્રિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલા પર્યાપ્ત નથી. તેમણે કહ્યું કે, નવા રિપોર્ટ અને ગત્ત વર્ષે રજૂ કરેલા રિપોર્ટથી એવા તારણો સામે આવ્યા છે કે, ઘરેલુ અને કૃષિ સ્તર પર જૈવ ઇંધણનો પ્રયોગ ઘટી રહ્યો છે, પરંતુ જીવાશમ ઇંધણનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે.