ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નારી જાતી પર અત્યાચાર અને સ્ત્રી-પુરુષ સમાનતા પર ગાંધીજીના વિચારો

સમાજમાં સ્ત્રીઓની ભૂમિકાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ હંમેશા સ્ત્રી સમાનતા અને આદર માટે પ્રયાસો કર્યા હતા. તેઓ કુરિવાજો બંધ કરાવવાના પક્ષમાં હતા. ધર્મશાસ્ત્રોમાં લખ્યું હોય કે કાયદા અને પરંપરા પ્રમાણે હોય તો પણ સ્ત્રીઓ અને કન્યાને હાનિકારક રીતરિવાજોનો તેમણે હંમેશા વિરોધ કર્યો હતો.

ગાંધીજી
ગાંધીજી

By

Published : Oct 2, 2020, 12:46 PM IST

Updated : Oct 2, 2020, 1:07 PM IST

હૈદરાબાદ: સમાજમાં સ્ત્રીઓની ભૂમિકાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ હંમેશા સ્ત્રી સમાનતા અને આદર માટે પ્રયાસો કર્યા હતા. તેઓ કુરિવાજો બંધ કરાવવાના પક્ષમાં હતા. ધર્મશાસ્ત્રોમાં લખ્યું હોય કે કાયદા અને પરંપરા પ્રમાણે હોય તો પણ સ્ત્રીઓ અને કન્યાને હાનિકારક રીતરિવાજોનો તેમણે હંમેશા વિરોધ કર્યો હતો.

(1) દીકરીને દૂધ પીતી કરવાનો વિરોધ : કન્યાનો જન્મ થતાં જ નિકાલ કરી દેવાતો હતો. પુત્રીને પરણાવવાની સમસ્યા અને દહેજના રિવાજને કારણે ઘણા પરિવારો કન્યા ઇચ્છતા નહોતા. એટલે દીકરીને દૂધ પીતી કરી દેવાતી હતી. પુત્ર જન્મ જેટલી જ ખુશી પુત્રીના જન્મથી થવી જોઈએ એમ ગાંધીજી માનતા હતા, કેમ કે સંસારમાં બંનેની જરૂર હોય છે. તેમણે દહેજનો પણ એટલે જ વિરોધ કર્યો હતો.

(2) સ્ત્રી સાક્ષરતા: ભણતરનો અભાવ અનેક દૂષણોનું મૂળ છે એમ ગાંધીજી માનતા હતા. તેઓ માનતા હતા કે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ભણાવવી જરૂરી છે. શિક્ષણ હશે તો જ સ્ત્રી પોતાના કુદરતી અધિકારો માટે જાગૃત થશે અને તેના માટે વિવેકથી કામ લેશે.

(3) બાળવિવાહ: ગાંધીજીએ બાળલગ્નોનો પણ વિરોધ કર્યો હતો. કેમ કે તેમાં કન્યાની મરજી તો જાણવામાં જ આવતી નહોતી. કિશોર અને કિશોરી બંને શારીરિક અને માનસિક રીતે વિકસિત થાય તે પછી જ તેમની મરજી પ્રમાણેના જીવનસાથીની પસંદગી થવી જોઈએ એમ તેઓ માનતા હતા. બાળવિવાહને તેઓ અનૈતિક ગણતા હતા અને કિશોર વયે માતા બનેલી કે વિધવા બનેલી યુવતીની કરુણ સ્થિતિ સર્જાતી હતી. નાની વયે લગ્નના કારણે કિશોરીઓનું ભણતર પણ અટકી પડે એટલે જ તેમણે બાળલગ્નોનો વિરોધ કરનારી સંસ્થાઓને સમર્થન આપ્યું હતું. બાળલગ્ન પ્રતિબંધક ધારાને પણ તેમણે સમર્થન આપ્યું હતું.

(4) દહેજ: દહેજ પ્રજાને કારણે કન્યાઓ માત્ર લેવા અને વેચવાનું સાધન બની જાય છે એમ ગાંધી માનતા હતા. તેનાથી સ્ત્રીનો દરજ્જો ઘટે છે, નારી સમાનતાની ભાવના ખતમ થાય છે અને લગ્નસંસ્થાની પવિત્રતા પણ જળવાતી નથી એમ તેમણે કહ્યું હતું. દહેજ પ્રથાને ખતર કરવા માટે ગાંધીજીએ માતાપિતાને વિનંતી કરેલી કે તમારી દીકરીઓને ભણાવો, જેથી તે જાગૃત થાય અને દહેજ માંગનારા યુવક સાથે લગ્ન માટે મનાઈ કરી દે. તેમણે દહેજ વિરુદ્ધ લોકજુવાળ જગાવવાની હાકલ કરી હતી અને યુવાનો જ તેની સામે સત્યાગ્રહ ચલાવે તેમ કહ્યું હતું.

(5) બહુપત્નીત્વ અને અત્યાચાર: પત્ની કંઈ પતિની ગુલામ નથી તેમ ગાંધીજી માનતા હતા. નારી સાથી અને મિત્ર છે અને સમાન અધિકાર અને ફરજો ધરાવે છે. પતિના અપરાધોમાં પત્નીને ગણી લેવી જોઈએ નહિ એમ તેઓ કહેતા. પતિ તરફથી અન્યાય થતો હોય તો છૂટા થવાનો તેને અધિકાર હોવો જોઈએ. સંસાર પરસ્પરની સુખાકારી માટે અને માનવજાતના કલ્યાણ માટે છે. બેમાંથી એક જીવનસાથી નિયમભંગ કરે ત્યારે બીજા સાથીને અલગ થવાનો અધિકાર મળે છે એમ તેઓ માનતા હતા.

(6) છેડતી: ગાંધીજીએ કહ્યું હતું કે કન્યાઓએ પોતાનું રક્ષણ કરવા માટે સ્વરક્ષણની તાલીમ લેવી જોઈએ. કોઈ તેના પર હુમલો કરે ત્યારે અહિંસાનો વિચાર કરીને નથી બેસવાનું, પરંતુ પોતાનું રક્ષણ કરવાની પ્રથમ જવાબદારી અદા કરવાની છે. સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ તમામ માર્ગો અપનાવવા જોઈએ અને લડતા લડતા મોત આવે તો તેને પણ વહાલું કરવું જોઈએ એમ તેઓ માનતા હતા.

સ્ત્રી સશક્તિકરણ માટેના પ્રયાસો

મહિલાઓને નડતરરૂપ કુરિવાજો, રીતીઓ, પરંપરાઓ દૂર કરવા પર ધ્યાન આપવા ઉપરાંત ગાંધીજીએ તેમને જાગૃત અને સશક્ત બનાવવા પર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે વિવિધ નારી અધિકારોનું સમર્થન કરીને સ્ત્રી સશક્તિકરણને વેગ આપ્યો હતો.

(1) શિક્ષણ: પ્રવર્તમાન બંધનોમાંથી મુક્તિ માટે શિક્ષણ જરૂરી છે એમ ગાંધીજી સમજતા હતા. શિક્ષણથી જ સ્ત્રી જાગૃત્તિ આવશે અને કુદરતી અધિકારોની માગણી કરી શકશે. સ્ત્રીએ ગૃહિણી તરીકે ઘર સંભાળવાનું હોય છે, તેથી ઘરકામની સાથે બાળઉછેરની જાણકારી પણ તેને હોવી જોઈએ એમ તેઓ માનતા હતા.

(2) સંપત્તિ: બ્રિટિશ ઇન્ડિયામાં મિલકતોના કાયદા સ્ત્રી વિરોધી છે એવું ગાંધીજીને સમજાયું હતું. પુરુષની સત્તા અને દરજ્જામાં સ્ત્રીનો સમાન અધિકાર છે એમ માનતા હતા. તેઓ સંસ્કાર અને શિક્ષણ એ જ ખરી સંપત્તિ છે એમ પણ માનતા હતા.

(3) આર્થિક સ્વાવલંબન: સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબન થાય તેનો વિરોધ તેમણે કર્યો નહોતો. કેટલાકને ડર લાગતો હતો કે સ્ત્રીઓ પગભર થશે તો ચરિત્ર નહિ રહે અને સંસારનું માળખું વિંખાઈ જશે. તેની સામે ગાંધીજી કહેતા હતા કે મજબૂરીને કારણે નૈતિકતા આવે તે કંઈ યોગ્ય નથી. હૃદયની પવિત્રતામાંથી નૈતિકતા આવવી જોઈએ. તેઓ માનતા હતા કે કુટુંબને સહાયરૂપ થવા સ્ત્રીઓ આર્થિક ઉપાર્જનનું કામ કરી શકે છે. ખાસ કરીને કાંતણ જેવી પ્રવૃત્તિઓની ભલામણ તેમણે કરી હતી, કેમ કે તેમના મતે ઘરની સંભાળ પણ અગત્યની હતી. તેમણે સ્ત્રીઓને સમાન વેતનની ભલામણ કરી હતી.

(4) દીકરીઓને સમાન દરજ્જો: ગાંધીજી માનતા હતા કે વાલીઓએ દીકરા દીકરીને સમાન ગણવા જોઈએ. બંનેના જન્મની ખુશી એક સમાન રીતે મનાવવી જોઈએ.

(5) પતિ પત્ની વચ્ચે સમાનતા: પુરુષે પત્નીને અર્ધાંગિની અને સહધર્મણી ગણવી જોઈએ. પત્ની જીવનસાથી છે અને પતિ જેટલા જ તેને અધિકારો છે.

(6) સ્ત્રી પુરુષની સમાનતા: બંનેમાં એક જ આત્મા વસે છે તેથી સ્ત્રી પુરુષ સમાન છે એમ તેઓ માનતા હતા. આત્માની કોઈ જાતી નથી એટલે ભગવાન સમક્ષ સૌ સમાન છે. તેમણે સ્ત્રીઓને સમાન વેતનની ભલામણ કરી હતી. સ્ત્રીઓની બુદ્ધિક્ષમતા પણ એટલી જ છે એમ તેઓ માનતા હતા.

(7) સ્ત્રી વ્યક્તિ તરીકે: પોતે પુરુષના ઉપભોગનું સાધન છે એવું વિચારવાનું સ્ત્રીએ બંધ કરવું જોઈએ એમ ગાંધીજીએ કહ્યું હતું. પતિ કે બીજાને ખુશ કરવા માટે શણગાર કરવાનું છોડવું જોઈએ. તેઓ માનતા હતા કે ઘરેણા પણ સ્ત્રીઓ માટે ગુલામીનું કારણ બનતા હતા.

(8) અર્થતંત્રમાં સ્ત્રીઓ: રેટિંયાને કારણે ભારત ગુલામીમાંથી મુક્ત થશે અને સ્વાતંત્ર્ય આવશે એમ તેઓ માનતા હતા. કાંતણ માટે સ્ત્રીઓ ઉત્તમ છે અને ખાદી અને સ્વદેશીની ઝુંબેશ તેમણે ઉપાડી લેવી જોઈએ એમ તેઓ માનતા હતા. તેનાથી ગરીબ સ્ત્રીઓ પણ સ્વાવલંબી બનશે એમ તેમને લાગતું હતું.

(09) નરથી ચડિયાતી નારી: સ્ત્રીઓ માત્ર સમાન છે એવું નહિ, પણ ઘણી રીતે પુરુષોથી ચડિયાતી છે એમ ગાંધીજીને લાગતું હતું. તેઓ કહેતા કે સહનશક્તિ અને બલીદાન એ જ વીરતાનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેથી તેઓ કહેતા કે બલીદાન આપીને સ્ત્રીઓ સહન કરતી રહે છે અને ભોગ આપતી રહે છે તે તેઓને ચડિયાતી બનાવે છે.

(10) શક્તિરૂપેણ નારી: નારી ઇશ્વરનું વરદાન છે અને તેની શક્તિઓ સુષુપ્ત પડેલી છે એમ ગાંધીજી માનતા હતા. નારી પોતાની શક્તિને જાણે ત્યારે તે દુનિયાને હચમચાવી શકે છે.

Last Updated : Oct 2, 2020, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details