દેશના સૌપ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ જણાવ્યું હતું કે આપણી લશ્કરી જરૂરિયાતો માટે અન્ય દેશો ઉપરની નિર્ભરતા કામચલાઉ હોવી જોઈએ અને લાંબા ગાળે આપણે સંરક્ષણની જરૂરી સાધન સામગ્રી આપણી જાતે જ બનાવીને સ્વ-નિર્ભર બનવું પડશે. સંરક્ષણ જેવાં અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ભારતની નિર્ભરતા દાયકાઓથી ચાલી આવે છે, જેનું કારણ શાસકોની ટૂંકી દ્રષ્ટિ છે, જેઓ કામચલાઉ અને સ્વ-નિર્ભર જેવા શબ્દોમાં રહેલું ડહાપણ સમજી શક્યા નહીં અને સતત આયાતને કારણે દેશની સુરક્ષાને જોખમ તરફ ધકેલતા રહ્યા. છેલ્લા બે દાયકામાં આઠ જેટલી સમિતિઓ અને ટાસ્ક ફોર્સીઝે સંરક્ષણનો સરસંજામ ઘરઆંગણે ઉત્પાદિત કરીને સ્વ-નિર્ભરતા હાંસલ કરવા માટે કેટલાક અહેવાલો અને ભલામણો સુપરત કર્યા છે. પરંતુ અમલીકરણની અસરકારક યોજનાના અભાવે પરિસ્થિતિ હજુ પણ'જૈસે થે'ની સ્થિતિમાં જ છે! કેન્દ્રિય નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારત(સ્વાવલંબન ભારતવાણી) શીર્ષક ધરાવતું સ્ટ્રેટેજી પેપર રજૂ કર્યું છે, જેમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભારત કેવી રીતે સ્વ-નિર્ભરતા હાંસલ કરી શકે તે વિશેના નીતિવિષયક નિવેદનો કર્યા છે. ડિફેન્સ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ પોલિસી ફ્રેમવર્ક હેઠળ વર્ષ2025 સુધીમાં ઘરઆંગણે રૂા. 75 લાખ કરોડનું ટર્નઓવર રૂા. 35 લાખ કરોડનું નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવાનું ધ્યેય છે. સંરક્ષણ ઉત્પાદનોનું ઘરઆંગણે હાલનું ટર્નઓવર રૂા. 80,000 કરોડ છે અને જાહેર ક્ષેત્રની કંપનીઓ તેમજ સરકારી શસ્ત્ર કારખાનાંનો હિસ્સો રૂા. 63,000 કરોડ છે!
આપણે એમ કહીએ છીએ કે ખાનગી કંપનીઓને વર્ષ2001થી શસ્ત્રસરંજામના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવા માટે પરવાના આપવામાં આવી રહ્યા છે, પરંતુ તેમનું ટર્નઓવર રૂા. 17,000 કરોડ જેટલું મર્યાદિત છે. સરંક્ષણ મંત્રીએ જાહેર કર્યું હતું કે ઘરઆંગણાના સંરક્ષણ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકવા માટે આ વર્ષે ઘરઆંગણે પ્રાપ્તિ(ખરીદી) માટે રૂા. 52,000 કરોડ ફાળવવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રનાં101 ઉત્પાદનોની આયાત પ્રતિબંધિત કરાશે અને રૂા. 4 લાખ કરોડના ઓર્ડર્સ ઘરઆંગણાના ઉદ્યોગોને આગામી છ વર્ષના ગાળામાં આપવામાં આવશે. આત્મનિર્ભર બનવાનું લક્ષ્યાંક હાસલ કરવા માટે આ પ્રકારે પ્રોત્સાહન આપવું આવશ્યક છે.