નવી દિલ્હી: આજે અમદાવાદ અતિથીના આગમનનો અભૂતપૂર્વ અવસરનું સાક્ષી બનશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મૂલાકાત લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં અમેરિકાના 6 પ્રમુખોએ ભારતનું આતિથ્ય માણ્યુ છે. સૌથી પહેલા 61 વર્ષ અગાઉ ડી આઈઝનહોવરથી તેની શરૂઆત થાય છે. આટલા વર્ષોમાં ભારત અને અમેરિકાના સબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચેના સબંધો સ્થિર છે અને વ્યુહાત્મક ભાગીદારીથી આગળ ધપી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી બંને દેશ વચ્ચેના સબંધો, વ્યાપારિક ભાગીદારી વગેરેના લેખા-જોખાથી શું મળ્યુ, શું ખોયુ તે સમજવાનો પ્રયત્ન કરીએ.
ડ્વાઈટ ડી. આઈઝનહોવર- 9 થી 14 ડિસેમ્બર, 1959
ભારતને આઝાદી મળ્યાના 11 વર્ષ પછી અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડી. આઈઝનહોવર ભારતની મુલાકાતે આવ્યા હતાં. રાજધાની દિલ્હીમાં 21 તોપોની સલામી સાથે તેમનું જોરદાર સ્વાગત કરાયુ હતું. આઈઝનહોવરે ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે મુલાકાત કર્યા બાદ રામલીલા મેદાનમાં જનમેદનીને સંબોધન કર્યુ હતું. તેમણે લોકસભા અને રાજ્યસભાનાં સાંસદોનું પણ સંબોધન કર્યુ હતું. આ ઉપરાંત આઈઝનહોવર સાત અજાયબીમાંના એક તાજમહેલની વીઝિટ કરી હતી. આ દરમિયાન જવાહરલાલ નહેરૂ પણ તેમની સાથે જોડાયા હતાં.
ડ્વાઈટ ડી. આઈઝનહોવર- 9 થી 14 ડિસેમ્બર, 1959 રિચર્ડ નિક્સન- 31 જૂલાઈથી 1 ઓગષ્ટ. 1969
નિક્સનની ભારત મૂલાકાત ખૂબ જ ટુંકી હતી. તેઓ એક દિવસ પણ ભારતમાં રોકાયા ન હતાં. નિક્સન માત્ર 22 કલાક માટે ભારત આવ્યા હતાં. જેના કારણે તેમની મૂલાકાત આઈઝનહોવરના પ્રવાસ જેટલી ચર્ચાસ્પદ રહી ન હતી. નોંધનીય છે કે, પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ પાડવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્વ દરમિયાન નિક્સને પાકિસ્તાનનું ઉપરાણું લીધું હતું. એટલું જ નહીં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી સાથે રિચર્ડ નિક્સનનાં સબંધો એટલી હદે વણસ્યા હતાં કે તેમણે ઈન્દિરા ગાંધીને ડાકણ પણ કહ્યાં હતાં.
રિચર્ડ નિક્સન- 31 જૂલાઈથી 1 ઓગષ્ટ. 1969 જીમ્મી કાર્ટર- 1 થી 3 જાન્યુઆરી, 1978
ભારતમાં મોટી રાજકીય ઉથલ પાથલના વર્ષ 1978માં કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતાં. જનતા પાર્ટીના મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધીને હરાવીને વડાપ્રધાન બન્યા તેના 3 મહિના પછી જ જીમ્મી કાર્ટર ભારતના મહેમાન બન્યા હતાં. તેઓ ત્રણ દિવસ સુધી ભારતમાં રોકાયા હતાં. આ દરમિયાન તેમણે સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યુ હતું. તેમણે દિલ્હી નજીકના એક ગામની પણ મુલાકાત લીધી હતી જે પાછળથી તેમના નામથી જ ઓળખાયું. તેમની મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે 1971ના બાંગ્લાદેશ યુદ્ધ અને 1974ના પરમાણુ પરિક્ષણોની પૃષ્ઠભૂમિ સામેના સંબંધોને સુધારવા માટે હતો.
જીમ્મી કાર્ટર- 1 થી 3 જાન્યુઆરી, 1978 બીલ ક્લીન્ટન- 19થી 25 માર્ચ, 2000
કાર્ટરની મુલાકાત બાદ બે દસક સુધી એક પણ રાષ્ટ્રપ્રમુખે ભારતની મુલાકાત લીધી ન હતી. 22 વર્ષ પછી વર્ષ 2000માં બીલ ક્લીન્ટન ભારતનાં મહેમાન બન્યા હતાં. આ દરમિયાન ભારતની સત્તાનું સુકાન અટલ બિહારી વાજપેયીના હાથમાં હતું. ક્લીન્ટનની ભારત મુલાકાત પહેલા જ કારગીલ યુદ્વ અને ન્યુક્લિઅલ પરિક્ષણનાં કારણે બંને દેશો વચ્ચેના સબંધોમાં ઘણા ઉતાર ચઢાવ આવી ગયા હતાં. પરંતુ વાજપેયી અને ક્લીન્ટનની મુલાકાત ગેમ ચેન્જર સાબિત થઈ હતી. ક્લીન્ટને તેમના પ્રવાસ દરમિયાન પુત્રી ચેલસી સાથે આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઈ જેવા લોકપ્રિય પ્રર્યટન સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેની આર્થિક તેમજ વ્યુહાત્મક ભાગીદારીની શરૂઆત હતી. આ દરમિયાન ઊર્જા અને પર્યાવરણ સબંધી સંયુક્ત નિવેદનમાં ક્લીન્ટને સહી કરવાની સાથે સંસદને પણ સંબોધી હતી. મહત્વની વાત એ છે કે, પૂર્વ પ્રમુખ તરીકે ક્લીન્ટને 2001માં તેમના ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ટુંકુ રોકાણ કરવાની સાથે કચ્છનાં ભુંકપગ્રસ્ત વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
બીલ ક્લીન્ટન- 19થી 25 માર્ચ, 2000 જ્યોર્જ બુશ- 1 થી 3 માર્ચ, 2006
પત્ની સાથે ભારતનો પ્રવાસ કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ પહેલા હતાં. બુશ તેમની પત્ની લોરા અને પુત્રી ચે સાથે મનમોહનસિંહની UPA-1ની સરકાર દરમિયાન ભારત આવ્યા હતાં. તેમણે દિલ્હીના જુના કિલ્લામાં કેટલાક આમંત્રિત લોકોનું સંબોધન કર્યુ હતું. તેમની મુલાકાત એટલા માટે યાદગાર અને મહત્વપૂર્ણ ગણી શકાય કારણ કે, આ વીઝિટમાં બંને દેશો વચ્ચેના પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ અપાયુ હતું. જેના કારણે ભારતને પરમાણુ વાણિજ્ય આગળ વધારવાની મંજૂરી મળી હતી.
જ્યોર્જ બુશ- 1 થી 3 માર્ચ, 2006 બરાક ઓબામા- 6થી 9નવેમ્બર, 2010
પત્ની મિશેલ સાથે ભારત આવેલા તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ તેમની મુલાકાત દરમિયાન મુંબઈ આતંકવાદી હુમલાના મૃતકોનાં પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. ભારત અને અમેરિકાના સબંધો ગાઢ બનાવવા માટે ઓબામાની મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ઓબામાએ સંદેશ આપ્યો હતો કે,21મી સદીમાં આ બંને દેશો એકબીજાના મજબૂત સહયોગી રહેશે. ઓબામાએ યુ.એન સિક્યુરીટી કાઉન્સીલમાં ભારત સ્થાયી સભ્ય બને તે માટે પણ ઓબામાએ ટકોર કરી હતી. તેમના પત્ની મિશેલે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે નૃત્ય કરી સૌ ભારતીયોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ઓબામા સાથે અધિકારીઓનું વિશાળ પ્રતિનિધી મંડળ પણ ભારત આવ્યુ હતું. જેમણે બિઝનેસ અને ઉદ્યોગ સાહસિક સમિટમાં હાજરી આપી હતી. ઓબામાણે સંસદનું પણ સંબોધન કર્યુ હતું.
બરાક ઓબામા- 6થી 9નવેમ્બર, 2010 બરાક ઓબામા- 24 થી 27 જાન્યુઆરી, 2015
2015માં બરાક ઓબામાએ બીજી વાર ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન પણ તેઓ પત્ની મિશેલ સાથે ભારત આવ્યા હતાં. તેઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ હતાં જેમણે બે વાર ભારતનો પ્રવાસ કર્યો હોય. પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથી બનનારા પણ તેઓ પહેલા જ રાષ્ટ્રપ્રમુખ હતાં. તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન વેપાર, સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં ઓબામા પણ વ્યૂહાત્મક સંબંધો પર ભાર મુકાયો હતો. જેમાં ભારત-પ્રશાંત વ્યૂહરચના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બરાક ઓબામા- 24 થી 27 જાન્યુઆરી, 2015 - પીટીઆઈ