હૈદરાબાદ: ભારતમાં લોકડાઉન ભલે હટી ગયું હોય, પરંતુ કોરોના વાઇરસનું જોખમ હજુ પણ રહેલું છે. તેથી રામતજગતના દરેક દિગ્ગજ કોરોના વાઇરસને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે.
આ અભિયાનમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ પંજાબ સરકારના મિશન ફતેહના માધ્યમથી આ મહામારીથી બચવા લોકોને અપીલ કરી રહ્યા છે.
CMO પંજાબએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો , જેમાં ભારતીય ટીમને પ્રથમવાર વિશ્વ કપ અપાવનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે પંજાબી ભાષામાં લોકોને અપીલ કરતા કહ્યું કે, આપણે બધા હજારો વર્ષોથી સફળતા મેળવતા આવ્યા છીએ, પરંતુ આપણે હજુ એક સફળતા મેળવવાની બાકી છે. જેના માટે સરકારે આપણને હાથ સાફ રાખવા માટે, સોશિયલ ડિસ્ટન્સ માટે, માસ્ક લગાવવા માટે કહ્યું છે. જેમાં આપણું કોઈ નુકસાન નથી. આ ફક્ત આપણા સારા જીવન માટે છે. જો આપણે 6 મહિના સુધી આ મહામારીથી પોતાને બચાવીશું, તો પછી એક વર્ષમાં આપણે બધા એકબીજાને ભેટી શકીશું.
પંજાબ સરકાર દ્વારા મિશન ફતેહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ લોકોને કોવિડ-19 અંગે જાગૃત કરવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને સલામતીનાં પગલાં અંગે જાગૃત કરવાનો છે.