પૂર્વ નાણાપ્રધાન હાલ એઇમ્સમાં ભરતી છે. તેમના દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત નિવાસ સ્થાને ભારે માત્રામાં સુરક્ષાના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં જેટલીની તબિયતને લઈ કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી. જો કે, પોલીસે તેમના ઘરને છાવણીમાં ફેરવી દીધું છે.
અરુણ જેટલીની હાલત ગંભીર, PM મોદી અને અમિત શાહ પહોંચ્યા એઈમ્સ - પૂર્વ નાણાપ્રધાન એમ્સમાં ભરતી
નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. જેને લઇને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એઈમ્સ ખાતે પહોંચી ગયા છે. જો કે, હોસ્પિટલ તરફથી હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, અરુણ જેટલી 9 ઓગસ્ટથી એઇમ્સમાં દાખલ છે.
9 ઓગસ્ટના રોજ એઇમ્સ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, જેટલીના ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અને ફેફસામાંથી વારંવાર પાણી કાઢવામાં આવી રહ્યું છે. જો કે ફરી પાછુ પાણી જમા થઈ જતું હોવાના કારણે તેમની તબિયતમાં સુધારો આવતો નથી. બીજી બાજુ 22 તારીખે જેટલીના દિકરાના લગ્ન પણ નિર્ધારીત કરેલા છે.
એરુણ જેટલીની હાલત ગંભીર જણાતા આજે રાષ્ટ્રપતિ પણ તેમની મુલાકાતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. આજે સાંજે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ત્યાં જવાનાં હોવાથી હોસ્પિટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.