જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આરએલપીના કન્વીનર હનુમાન બેનીવાલે ભાજપમાં ખળભળાટ ફેલાવી દીધો છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા સાંસદ બેનીવાલે ગુરુવારે વર્તમાન મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે વચ્ચે આંતરિક જોડાણના આક્ષેપો કર્યાં હતાં.
બેનીવાલે ટ્વિટ દ્વારા આરોપ લગાવ્યો છે કે, વસુંધરા રાજે અશોક ગેહલોતની લઘુમતી સરકારને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેઓ કોંગ્રેસ પાર્ટીમાં તેમની નજીકના ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં છે. બેનીવાલે દાવો કર્યો હતો કે, વસુંધરા રાજેએ સીકર અને નાગૌર જિલ્લાના જાટ ધારાસભ્યોને ટેલિફોન દ્વારા સચિન પાઇલટ કેમ્પમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી. આના પર તે બંને ધારાસભ્યો અડધે રસ્તેથી પરત ફર્યા હતા. બેનીવાલે કહ્યું કે, અમારી પાસે પુરાવા છે.
NDAના સાંસદ બેનીવાલનો દાવો સાંસદ હનુમાન બેનીવાલે માથુર કમિશનને લગતા કેટલાંક કેસ, સીપીકોઠારીને રિકોના ડાયરેક્ટર અને લોકાયુક્તની ભલામણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વસુંધરા રાજે અને અશોક ગેહલોતે એક બીજાના ભ્રષ્ટાચાર ઉપર પડદો રાખી એક બીજાને બચાવ્યા છે. આવી સ્થિતિમાં રાજસ્થાનની જનતાને બન્નેના આંતરિક જોડાણના કારણે હાલાકી વેઠવી પડી છે.
બેનીવાલ પહેલાં પણ આરોપ લગાવી ચૂક્યાં છે કે, સીપી કોઠારીને નિદેશક બનાવવા માટે લોકાયુક્તે તત્કાલીન સીએમ વસુંધરા રાજે મામલામાં કેસ કરવાની ભલામણ કરી હતી. સરકારે આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. સાંસદે કહ્યું કે, ભાજપના નેતાઓએ રાજે પર 22 હજાર કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ગેહલોતે માથુર કમિશનની રચના કરી. પરંતુ કોર્ટ સમક્ષ નબળા પુરાવા રજૂ કરીને તેમણે આ મામલો ઠંડો પાડી દીધો હતો.