શિમલા: CBIના પૂર્વ ડાયરેક્ટર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે પોતાના શિમલા સ્થિત નિવાસ સ્થાને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. અશ્વિની કુમારની વર્ષ 2006માં હિમાચલ પ્રદેશના DGP અને વર્ષ 2008માં CBI ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
CBIના પૂર્વ ડાયરેક્ટર અશ્વિની કુમારે કરી આત્મહત્યા
CBIના પૂર્વ ડાયરેક્ટર અશ્વિની કુમારની આત્મહત્યા અંગે શિમલાના DGP સંજય કુંડૂએ જણાવ્યું કે, ઘટના સ્થળેથી જે સ્યૂસાઇડ નોટ મળી આવી છે. તેમાં આત્મહત્યાનું કારણ બીમારી હોવાનું જણાવ્યું છે. અશ્વિની કુમારે પોતાની આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
અશ્વિની કુમાર
અશ્વિની કુમારની જ્યારે CBIના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે CBI તે વખતના સૌથી ચર્ચાસ્પદ આરૂષી તલવાર હત્યા કેસની તપાસ કરી રહી હતી. CBI માંથી નિવૃત્ત થયા બાદ અશ્વિની કુમારને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
હાલમાં અશ્વિની કુમાર શિમલાની ખાનગી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપતા હતા. તેમનો મૃતદેહ તેમના શિમલા સ્થિત નિવાસ સ્થાને મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.