નવી દિલ્હી : હવાઈ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એર બબલ સિસ્ટમ શરૂ કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ ગયા ગુરુવારે જાહેરાત કરી હતી કે, એર ફ્રાન્સ અને યુનાઇટેડ એરલાઇન્સ ઓફ અમેરિકા, ભારત સાથે એર કોરિડોર એર બબલ વ્યવસ્થા હેઠળ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સંચાલિત કરશે.
4 મહિના બાદ વિદેશ યાત્રા માટે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી
સામાન્ય પેસેન્જર વિમાનોએ કોરોના સમયગાળા દરમિયાન 4 મહિના પછી ફરીથી વિદેશ ઉડાન શરૂ કરી દીધી છે. આ ફ્લાઇટો એર બબલ સિસ્ટમ હેઠળ ઉડાન ભરી રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત, બુધવારે બપોરે 1: 15 વાગ્યે પ્રથમ ફ્લાઇટે દિલ્હી એરપોર્ટથી વોશિંગ્ટન ડીસી માટે ઉડાન ભરી હતી.
કોરોના વાઇરસના કારણે ભારત અને વિશ્વના અન્ય દેશોમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, ભારતે યુએસ, ફ્રાન્સ અને જર્મની સાથે ‘એર બબલ્સ’ માટે સમજૂતી કરી હતી. આ યોજના હેઠળ, એર ફ્રાન્સ 18 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને પેરિસ વચ્ચે 28 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તેવી જ રીતે યુનાઇટેડ એરલાઇન્સ 31 જુલાઈ સુધી દિલ્હી, મુંબઇ, નેવાર્ક અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે 18 ફ્લાઇટનું સંચાલન કરશે.
સિવિલ એવિએશન પ્રધાન હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી કે, આવનાર દિવસોમાં ભારત અને ઈંગ્લેડની વચ્ચે દિલ્હી-લંડન અને ફ્લાઈટ એક દિવસમાં બે વખત ઉડાન ભરશે. જર્મનીની તરફથી લુપ્થાંસા એરલાઈનની સાથે વાતચીત લગભગ ફાઈનલ થઈ ચુકી છે. ભારતની તરફથી એર ઈંડિયા ફ્રાંસ અને અમેરિકા માટે ઉડાન ભરશે.