નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે નિઝામુદ્દીન સ્થિત મરકજથી કોરોના વાઇરસના 1 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે. અહીંયા રહેતા કેટલાક જમાતીના સારવાર દરમિયાન મોત થયા છે. તેને લઇને ક્રાઇમ બ્રાન્ચે પહેલેથી દાખલ કરેલી FIRમાં ગેર ઇરાદે કરેલી હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આ FIRમાં મૌલાના સાદ સહિત સાત લોકોને ક્રાઇમ બ્રાન્ચે આરોપી બનાવ્યા છે. તેની સાથે જ લગભગ 1800 લોકો વિરૂદ્ધ લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે.
વધુમાં નિઝામુદ્દીન મરકજથી દિલ્હી સરકાર અને પોલીસ દ્વારા 2361 લોકોને બહાર લાવીને હોસ્પિટલ અને ક્વોરન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા છે. તે ઉપરાજ્યપાલના આદેશ પર આ ઘટનાને લઇને નિઝામુદ્દીન એસએચઓ મુકેશ વાલિયાના નિવેદન પર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો. આ FIRમાં મૌલાના સાદ સહિત સાત લોકો પર ષડયંત્ર હેઠળ આ બિમારીને ફેલાવાનો આરોપ હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેટલી વાર આરોપીઓને નોટિસ મોકલી છે, પરંતુ તેમના તરફથી અત્યાર સુધી કોઇ જવાબ આવ્યો નથી.