સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ડિગ્રી ખરીદવાનો શોર્ટકટ પણ અપનાવતા હોય છે. ખંતથી ભણવું, ક્લાસમાં હાજરી આપવી, પરિક્ષાઓ આપવી, સારા માર્ક્સ લાવવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી આ બધું સમય માંગી લે છે. પરંતુ એવા લોકો જેમની પાસે કૉલેજમાં હાજરી આપી પરિક્ષાઓ પાસ કરવા જેટલું ધૈર્ય નથી અથવા સામર્થ્ય નથી તેમના માટે કામ કરે છે બોગસ ડિગ્રી આપતી ગેંગ. ભારતમાં શિક્ષણ ક્ષેત્ર એ એક નફાકારક વ્યવસાય બની ગયો છે, જેના કારણે વિદ્યાના વેપારીઓમાં વધારો થઈ રહ્યો છે. દેશના દરેક ખૂણામાં આવા બોગસ ડિગ્રી બનાવી આપનારા ઠગનો રાફડો ફાટ્યો છે. માત્ર 10,000-15,000 રૂપિયામાં બોગસ ડિગ્રી મેળવી શકાય છે. અને સ્નાતક, અનુસ્નાતક અને એન્જીનીયરીંગની ડિગ્રી માટે 20,000-75,000 રૂપિયા આપવા પર પળવારમાં ડિગ્રીઓની લહાણી સહેલાઈથી થઈ જશે. વળી આ બોગસ ટોળકીઓ આપની પસંદગીની યુનિવર્સીટીના નામવાળા સર્ટીફીકેટ બનાવી આપે છે. અનેક વખત આવા બનાવટી સર્ટીફીકેટ્સ ધરાવતા અધિકારીઓ સામે પગલા લેવાય છે પરંતુ પછી ભીનું સંકેલાય જાય છે. આ ગોરખ ધંધો ચલાવનારાઓ સામે જ્યાં સુધી સરકાર કોઇ નક્કર પગલા નહીં લે ત્યાં સુધી બોગસ ડિગ્રી કૌભાંડો થવાના યથાવત રહેશે.
બેફામ ધમધમી રહી છે બોગસ ડિગ્રીની દુકાનો, નક્કર પગલા આવશ્યક
હૈદરાબાદ: વિદ્યાર્થી રે ભઇ વિદ્યાર્થી, શું કહો છો દલા તરવાડી? કૉલેજ શરૂ કરું બે-ચાર? કરો કરો દસ-બાર… આ નીતિ હાલમાં શિક્ષણ જગતમાં બંધ બેસી રહી છે. હાલની શૈક્ષણિક વ્યવસ્થા માટે બોગસ ડિગ્રી એક મોટો પડકાર છે જે શિક્ષણ ક્ષેત્રમાં ભારતની છબીને ખરડે છે.
તાજેતરમાં સમાચાર પત્ર ઇનાડુ એ આ પ્રકારના બોગસ ડિગ્રી કૌભાંડ સામે બાંયો ચડાવી હતી અને અનેક કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો. દક્ષિણમાં અનેક લોકો આવી બોગસ ડિગ્રીની હાટળીઓ ચલાવતા હતા પરંતુ તવાઇ આવતા તમામ ગોરખ ધંધા બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ આવી તો હજારો સંસ્થાઓ છે જે બોગસ ડિગ્રી આપી શિક્ષણ સંસ્થાને ખોખલી બનાવે છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં આવી બોગસ ડિગ્રીની હાટડી માંડીને બેઠેલા ધંધાદારીઓ એ ડિગ્રીની ચિંતા કરનારાઓની બધી ચિંતા દૂર કરી દીધી છે. સારા ભવિષ્યથી અંજાઇ જઇને લોકો આવી છેતરપિંડીનો ભોગ બની જાછે, કારણ કે શિક્ષણ આપવા માટે સંસ્થાઓને બદલે ઠેરઠેર ડિગ્રીની હાટડીઓ ખૂલી છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આ ડિગ્રીના વેપલાનું ભોપાળું છત્તુ થાય તો પણ નક્કર પગલા નહીં લેવાય તો આ સ્થિતી યથાવત જ રહેશે.
ય