ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને મંગળવાર, 17 માર્ચે ફ્લોટ ટેસ્ટ કરવાનું કહ્યું છે. રાજ્યપાલે કમલનાથને લખેલા પત્રમાં કહ્યું કે, જો કાલે ફ્લોર ટેસ્ટ ન થયો તો માનવામાં આવશે કે તમારી સરકારે વિશ્વાસ ગુમાવી દીધો છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ભાજપના 106 ધારાસભ્યોની પરેડ કરાવી હતી.
શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને ધારાસભ્યોની યાદી સોંપી હતી. તેમણે કહ્યું કે, કમલનાથ સરકાર અલ્પમતમાં છે અને ભાજપની પાસે સરકાર બનાવવાનો બંધારણીય અધિકાર છે. આ પહેલા મધ્ય પ્રદેશના રાજકીય સંકટનું સમાધાન વિધાનસભાના ફ્લોર પર ન થતાં ભાજપે રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થયો. વિધાનસભાના સત્રને 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.