રાજ્ય વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કલસેએ જણાવ્યું હતું કે, જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે આગળ નહીં આવે તો, રાજ્યપાલ સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટીને આમંત્રિત કરશે. કલશેએ કહ્યું કે, જો પાર્ટી નવી સરકાર બનાવવામાં અસમર્થ રહે, તો રાજ્યપાલ અન્ય પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, નવી વિધાનસભાના પ્રથમ સત્રનું આયોજન કરવાનો નિર્ણય નવી સરકારના પ્રથમ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. સત્રનું આયોજન કરવું મંત્રીમંડળની જવાબદારી હોય છે. ચૂંટણી પંચે તો પરિણામ જાહેર કરી દીધા છે. હવે સંવૈધાનિક રસ્તે નવી વિધાનસભા અસ્તિત્વમાં આવશે.
કલશેએ આગળ જણાવ્યું હતું કે, નવા મુખ્યપ્રધાન શપથ ગ્રહણ કરે, ત્યાં સુધી નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકારના ગઠન બાદ જ રાજ્યપાલ નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકે. જેમાં તમામ નવા ધારાસભ્યો શપથ લેશે. સંવિધાનમાં કામચલાઉ સરકારની કોઈ જોગવાઈ નથી, પણ આવી ઘટનાઓ બની છે, કેન્દ્રમાં પણ.