સવાલઃ તમારા મનમાં આ વૉલેટ વિરુદ્ધ બૂલેટનો વિચાર કેવી રીતે આવ્યો?
જવાબઃ લદાખમાં રહેતાં રહેતાં હું ચીનની પ્રવૃત્તિ જોતો આવ્યો છું, જેને તમે ગેરવર્તન કહો, પ્રભુત્વ કહો કે ઘૂસણખોરી કહો. હંમેશા તેને થતા હું જોતો આવ્યો છું. તેના કારણે લદાખના લોકોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.
ખાસ કરીને ભરવાડોને, કેમ કે બકરા ચારવા માટેનો વિસ્તાર તેમના માટે ઘટતો જાય છે. મને થયું કે આ બાબતમાં મારે કશું કરવું પડશે. થોડા દિવસ પહેલાં ફરીથી ઘૂસણખોરી થઈ ત્યારે મેં જોયું કે આ વખતે તેમનો વિચાર કંઈક જુદો છે. તેમની ડિઝાઇન અને ઇરાદો જુદો છે. માત્ર સરહદનો ભંગ કરવાનો નથી.
કોરોના સંકટ વચ્ચે કોઈ દેશ આવું ના કરે. હું સમજું છુ તે પ્રમાણે માત્ર ભારત નહિ વિયેતનામ, તાઇવાન અને અમેરિકન નૌકા દળને દરેકને દક્ષિણ ચીન સમુદ્રમાં ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તેથી લાગે છે કે કારણ કૈંક જુદું છે. એક જ મહિનામાં બધા દેશો સાથે આવું થયું. એવું તારણ કાઢી શકીએ કે તેઓ પોતાની આંતરિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોશિશ કરી રહ્યા છે, કેમ કે ચીનમાં રોષ છે કે સરકાર મહામારીને સારી રીતે સંભાળી શકી નથી. તેના કારણે અર્થતંત્ર ખાડે ગયું છે અને તેથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા ચીન આવું કરી રહ્યું છે.
હવે આપણે સમજવું જોઈએ કે ચીન અર્થતંત્ર બચાવવા આ કરી રહ્યું હોય તો આપણે તેના અર્થતંત્ર પર પણ વાર કરવો જોઈએ. આપણે તેમના ટ્રેપમાં આવીને બંદૂક અને ગોળીથી જવાબ આપવો જોઈએ નહિ. તેમને અર્થતંત્ર નબળું પડવાનો ડર હોય તો શા માટે તેમને આર્થિક ફટકો ના મારવો.
તેથી જ મેં કહ્યું કે આ કામ ભારતના લોકોએ કરવું પડે. તે કામ વૉલેટથી થઈ શકે. તમે ગમે ત્યાં રહીને, ઘરે, ગામડે રહીને એપને હટાવીને તે કામ કરી શકો છો. આ બહુ સાદી વાત લાગશે, પણ જો મોટા પાયે તે થાય અને લાખો કરોડો એપ અનઇસ્ટોલ થાય તો તેમને અસર થાય. નબળા પડતા અર્થતંત્રને કારણે લોકોનો અસંતોષ પણ વધશે.
સવાલઃ પણ શું ચીની વસ્તુઓ અને એપ હટાવવી એ ઉપાય છે, કેમ કે ભારતના લોકોના જીવનમાં તે વસ્તુઓ વણાઈ ગઈ છે? અશક્ય નહિ, પણ અઘરું કામ તો છે.
જવાબઃ આ અઘરું છે, પણ અશક્ય નથી. જીવનમાં ઘણું અઘરું હોય છે, પણ કરવું પડતું હોય છે. જો મક્કમતા સાથે નિર્ણય કરીએ તો સંજોગોને તે પ્રમાણે વાળી શકાય છે. જૈનો ગમે ત્યાં જાય પોતાના પ્રમાણેનું ભોજન શોધી કાઢે છે. ઇચ્છા હોય તો શાકાહારીને ગમે ત્યાં શાકાહારી ભોજન મળી જાય છે. આપણે આવી મુશ્કેલીઓનો વિચાર કરીએ ત્યારે આપણા સૈનિકોને ચીન સરહદે શું મુશ્કેલી પડે છે તેનો વિચાર કરીને તેની સરખામણી કરવી જોઈએ. હાડ ગાળી નાખતી ઠંડીમાં સરહદનું રક્ષણ કરવા જેવી મુશ્કેલી સામે ચાઇનીઝ એપ ડિલિટ કરી નાખવાની વાત તો કંઈ નથી. હવે જો તમે માત્ર એક એપ અનઇન્સ્ટોલ ના કરી શકતા હો તો હું બીજું તો શું કહી શકું?
સવાલઃ ભારતીયોનું વલણ “ચાલે હવે” એવું હોય છે તેનાથી તમે ચિંતિત છો?
જવાબઃ આવા ચલાવી લેવાના વલણથી હું બહુ રોષમાં છું. જો રાષ્ટ્ર તરીકે આપણે નબળા પડીશું તો તેની પાછળ આ “ચાલે હવે” અભિગમ જ છે. આ બાબતમાં આપણે ચીનાઓ પાસેથી શીખવું જોઈએ. મેં જોયું કે તેઓ દરેક બાબત બહુ ચોક્સાઇથી કરે છે અને તેના કારણે જ આખરે સફળ થાય છે. તેની સામે અહીં આપણે જોઈએ કે બહુ જ બેકાળજી હોય છે. લોકડાઉન પછી લોકો જે રીતે વર્તન કરી રહ્યા છે તેમાં પણ તે દેખાઈ આવે છે. છેલ્લા થોડા મહિનામાં દુનિયાભરમાં ભારતના વખાણ થયા કે કેવી રીતે વાઇરસનો સામનો કર્યો. પણ “ચાલે હવે” એ અભિગમથી પાણી ફરી વળશે.
આપણે કાળજી નહિ લઈએ તો કોરોના સામેની લડાઇ હારી જઈશું. જો વાઇરસ સામે આટલી સહેલાઇથી ઝૂકી જઈશું તો ચીન સામે કેવી રીતે લડીશું? બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ચીનના નાગરિકોમાં ફરજ ભાવના છે. તેના કારણે જ ચીન કોરોના સામેની લડાઇ જીતી શક્યું છે. ચીન પાસેથી આ શીખીને આપણે પણ શિસ્તપાલન કરીશું તો જ આ લડાઇમાં કંઈક આશા રહેશે.
સવાલઃ આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, અને ઇલેક્ટ્રોનિક આઇટેમો આયાત કરીએ છીએ તે પાંચ લાખ કરોડ રૂપિયાની ચીનથી આયાતનો 41% છે. સ્થાનિક ધોરણે તેનું ઉત્પાદન થાય તેમ નથી તો શું બીજા દેશોમાંથી તેની આયાત કરવી જોઈએ?