નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું હતું. દેશની અર્થવ્યવસ્થા અને કોરોના વાઇરસની મહામારીને લઇ તેમણે કેન્દ્ર સરકાર પર ફરી એક વખત આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને અને અફગાનિસ્તાને કોરોનાની સ્થિતી સારી રીતે સંભાળી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, 'બીજેપી સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ બીજી એક સિદ્ધિ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને પણ કોવિડ -19 ની સ્થિતી ભારત કરતા વધુ સારી રીતે સંભાળી હતી. પોતાના ટ્વિટ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનો હવાલો આપતા એક ગ્રાફ શેર કર્યો છે. જેમાં ભારતની GDPમાં 10.30 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.
IMF ના અહેવાલમાં ભારતની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2020-21માં ભારતની GDP વૃદ્ધિમાં 10 ટકાનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો GDP ગ્રોથ બાંગ્લાદેશ કરતા ઓછો જઇ રહ્યો છે.
IMFનો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ આ અઠવાડિયે બહાર પાડવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો ગરીબ દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જો આપણે કુલ GDPના અંદાજ પર નજર નાખીશું તો ભારત દ્વારા ફક્ત પાકિસ્તાન અને નેપાળ જ બાકી રહેશે. જ્યારે બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશો આપણા કરતા આગળ રહેશે. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2021 માં 8.8 ટકાના વિકાસ દર સાથે ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પરત આવી શકે છે.