નવી દિલ્હી: ભારતના કેટલાક ભાગો તેમજ બાંગ્લાદેશ અને નેપાળ પુર અને ભુસ્ખલનની અસરોમાંથી પસાર થઈ રહ્યા છે, તેવામાં યુરોપીયન યુનીયને (UE) મંગળવારે દક્ષિણ એશીયાના આ દેશો માટે 1.65 મીલિયન યુરોની માનવતાવાદી સહાયની ઘોષણા કરી છે.
આ પહેલા મે મહિનામાં ભારત અને બાંગ્લાદેશમાં આવેલા અમ્ફાન ચક્રવાત સહિતની કેટલીક કુદરતી આફતોથી પીડિત પરીવારો માટે 1.8 મીલિયન યુરોની સહાયની ઘોષણા કરી હતી અને હવે ફરી એક વાર 1.65 મીલિયન યુરોની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેથી સહાયની કુલ રકમ 3.45 મીલિયન યુરો સુધી પહોંચી છે.
એશીયા અને પેસીફિકમાં યુરોપીયન યુનિયનના માનવતાવાદી કાર્યક્રમો પર દેખરેખ રાખી રહેલા તાહિની થમ્માનાગોડાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “આ વર્ષે ચોમાસાનો વરસાદ આખા દક્ષિણ એશીયા માટે વિનાશક રહ્યો છે, તેવામાં આ તાકીદની સહાય અમારા માનવતાવાદી કાર્યો કરી રહેલા સંગઠનો અને જૂથોને ખુબ મદદરૂપ સાબીત થશે. આ સહાય વડે તેઓ આ વિનાશક વરસાદમાં છત, આશરો, અને આવકના સાધનો ગુમાવી ચુકેલા લોકોને મદદ કરી શકશે.”
“જે દેશો સૌથી વધુ પ્રભાવીત થયા છે તેમને ધ્યાનમાં રાખીને અમે આ મુશ્કેલીના સમયમાં તેઓ જીવન ટકાવી શકે તે માટે મદદ પહોંચાડીયે છીએ જેથી તેઓ ખુબ જલ્દી પોતાના પગ પર ઉભા થઈ શકે.”
આ પુરથી લગભગ 17.5 મીલિયન લોકો પ્રભાવિત થયા છે. પુરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ પોતાના ઘર, પાલતુ પશુ જેવા આવકના સાધનો તેમજ ખતીની જમીન ગુમાવી છે. તેમજ પુરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં રોડ, હોસ્પીટલ અને સ્કુલ જેવી જાહેર માળખાગત સુવિધાઓને પણ ખુબ નુકસાન પહોંચ્યુ છે.
યુરોપીયન યુનીયને આપેલા નિવેદન પ્રમાણે, “કુલ 1.65 મીલિયન યુરોમાંથી 1 મીલિયન યુરો બાંગ્લાદેશમાં તાત્કાલીક સહાય તરીકે પહોંચાડવામાં આવશે કે જ્યાં 2 મીલિયનથી વધુ લોકોને તાત્કાલીક ખોરાક, પાણી, સ્વચ્છતા તેમજ રહેવા માટે છતની જરૂર છે.”
આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ હતુ કે, “ત્યારબાદ 500,000 યુરો ભારતમાં અસરગ્રસ્ત લોકો માટે ખોરાક, રહેણાંક, તાત્કાલીક તબીબી સેવાઓ તેમજ પાણી અને સ્વચ્છતા માટે મોકલવામાં આવશે.”
આ નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદને કારણે કુલ 10.9 મીલિયન લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત પહેલેથી જ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહેલા લોકો આ પુરને કારણે વધુ અસહાય બન્યા છે.”