નવી દિલ્હી: “નિમ્ન સહીકર્તાને એ સ્પષ્ટતા કરવાનો આદેશ આપવામાં આવે છે કે, વિવિધ મંત્રાલયો દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાની શરતે ભારતીય નાગરિકો અથવા તો ઓસીઆઇ કાર્ડ્ ધારકોના મૃતદેહો અને અવશેષોને લાવવાના સંદર્ભમાં ઇમિગ્રેશનની કામગીરી હાથ ધરવાની પરવાનગી આપવામાં આવે છે,” તેમ ગૃહ બાબતોના મંત્રાલય હેઠળના વિદેશ બાબતોના ડિવિઝનના ઇમિગ્રેશન સેક્શનના ડિરેક્ટર સ્તરના અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું.
અત્યંત અર્જન્ટ કેટેગરી હેઠળ આજે (25-04-2020) જારી કરવામાં આવેલા 25022/06/22 નંબર ધરાવતા મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી તેમજ બાહ્ય બાબતોના મંત્રાલય પાસેથી મેળવેલું સંમતિ અથવા મંજૂરી ધરાવતા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) સુપરત કર્યા બાદ મૃતદેહ તથા અન્ય અવશેષો મેળવી શકાય છે.
“આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે,” તેમ ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું, જેની એક નકલની ઇટીવી ભારત દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
શોકગ્રસ્ત સ્વજનોને શા માટે સમસ્યાનો સામનો કરવો પડતો હતો
ટિહરી ગઢવાલના 23 વર્ષના વતની યુવકનું 17મી એપ્રિલના રોજ અબુ ધાબીમાં મોત નીપજ્યું, ત્યાર બાદ તેના પરિવારજનોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે ઇટીવીએ આ સમગ્ર મુદ્દો ઉજાગર કર્યો હતો.
અન્ય ત્રણ ભારતીય પાસપોર્ટ ધારકોના મૃતદેહો સાથે ઉપરોક્ત યુવકનો મૃતદેહ 23મી એપ્રિલના રોજ એતિહાદ ફ્લાઇટ EY9809 દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો, પરંતુ બ્યૂરો ઓફ ઇમિગ્રેશન ઓથોરિટીએ તે મૃતદેહોને દિલ્હી એરપોર્ટ પર ઊતારવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ટિહરી ગઢવાલના વતની મૃતક કમલેશ ભટ્ટ (23)નો મૃતદેહ મેળવવા માટે સ્પેશ્યલ પાસની વ્યવસ્થા કરીને દિલ્હી એરપોર્ટ પહોંચી શકેલા કમલેશના સંબંધીઓએ ઇમિગ્રેશન ઓથોરિટીની પરવાનગી ન મળવાને કારણે મૃતદેહ વિના પરત ફરવું પડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'મૃતક કમલેશ ભટ્ટના મૃતદેહ સાથે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓના મૃતદેહો 22-23 એપ્રિલની રાત્રે ભારત લાવવામાં આવ્યા હતા અને ઇમિગ્રેશન ઓથોરિટીની પરવાનગી ન મળવાને કારણે ગણતરીના કલાકોમાં જ પરત લઇ જવાયા હતા.'