સ્પેનના લાઇફ સાયન્સ રિસર્ચરે મૂકેલા આવા કેટલાય વૉટ્સએપ મેસેજનો આ એક નમૂનો છે! ફૂટબોલર સામે ગુસ્સો નથી કે તેની ઇર્ષા પણ નથી, પણ દેશો, સરકારો, વિશ્વના નેતાઓ માટે કઈ બાબત અગ્રતા છે અને તેઓ કેટલી ટૂંકી દૃષ્ટિથી કામ કરે છે તેની વક્રતા આમાં છતી થાય છે.
આવો સંકટનોસમય આવે, કોરોના વાયરસ જેવો ખતરનાક ચેપ હાહાકાર મચાવવા લાગે ત્યારે હતાશા પેદા થાય કે 'આપણું બધું શિક્ષણ વ્યર્થ છે અને કશા કામનું નથી.’
આપણા અસ્તિત્વ સામેના ખતરાને આપણે ઓળખ્યો નથી!
દુનિયામાં મહામારી ફેલાઈ હોય તેવું આ કંઈ પહેલીવાર નથી બન્યું. એથેન્સમાં ઇસૂ પૂર્વે 430માં પ્લેગ ફેલાયો હતો ત્યારનું આ ચાલ્યું આવે છે. ત્યારથી શરૂ કરીને હમણાં સાર્સ અને ઇબોલાનો રોગચાળો ફેલાયો ત્યાં સુધીનો એક લાંબો ઈતિહાસ છે કે આપણે મહામારીનો સામનો કરતા આવ્યા છીએ.
મનુષ્ય જીવન સામે આવા ખતરા આવીને ઊભા રહે છે, પણ મનુષ્ય મક્કમ થઈને તેનો સામનો કરે છે અને તેને માત પણ કરે છે. મહામારી ફેલાય ત્યારે ભય વ્યાપી જાય છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ આજ સુધીમાં કોઈ મહામારીએ મનુષ્ય જાતને ખતમ કરી નાખી નથી. કોરોના ક્રાઇસિસ પણ અપવાદ સાબિત નહિ થાય.
પરંતુ આજે માનવજાત બધા ક્ષેત્રોમાં બહુ પ્રગતિનું ગૌરવ લે છે ત્યારે તેની સામે આ પડકાર આવ્યો છે. 5G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની ટેક્નોલૉજી ધરાવનારા દેશો સામે, અમેરિકા, યુરોપ અને ચીન સહિતના મોટા દેશો સામે કોરોનોએ મોટો પડકાર ફેંક્યો છે!
થોડા દિવસોમાં કોરોનાને આપણે નાબુદ કરી દઈશું કે તેના પર કાબૂ મેળવી લઈશું. તેની સામેની રસી પણ શોધી લઈશું, પરંતુ આપણે અભેદ્ય છીએ તેવું માની લેવું ભૂલ હશે!
મનુષ્યજાત સામે છે અનેક સવાલો!
કોરોનામાંથી આપણે શું બોધપાઠ લેવાનો છે? કોરોના પછી મનુષ્ય તરીકે આપણે કેવી રીતે વર્તવું જોઈએ? આપણે કુદરત અને બીજા જીવોની સાથે કેવો વ્યવહાર કરવાનો રહેશે? યુવા પેઢીને અત્યાર સુધી જીવન ઇન્સ્ટન્ટ કૉફી લેવા જેવું લાગતું હતું તેઓ કેવી રીતે વિચારશે? સરકારનું કામકાજ કેવી રીતે ચાલશે, રાજકીય નેતાઓ કેવી નેતાગીરી દાખવશે અને સંશોધકો કેવો પ્રતિસાદ આપશે?
આ અને આવા બીજા સવાલોના જવાબો જ મનુષ્યજાતનું ભવિષ્ય નક્કી કરશે! આજે આપણે વિકસિત, વિકાશશીલ અને અવિકસિત એવી રીતે દેશોને વહેંચી નાખ્યા છે. આધુનિક, જૂનવાણી, શ્વેત, અશ્વેત, જ્ઞાતિજાતિના ભેદ, ધર્મના નામે ભેદ, મૂડીવાદ અને સામ્યવાદના ભેદ એવા અનેક ભેદ ઊભા કરી દીધા છે. આપણે ખુદને મહાન સમજીએ છીએ અને બીજાને નબળા સમજીએ છીએ. કોરોનાએ બતાવી દીધી છે કે આપણી અસલી હેસિયત શું છે. આપણા કહેવાતા વિકાસ અને પ્રગતિની અસલિયત તેણે ખોલી નાખી છે - મંગળ ગ્રહની હાઇરેઝ તસવીરની જે સ્પષ્ટ દેખાડી આપી છે!
કોરોનાએ ચીનને તેની મહત્ત્વાકાંક્ષાની કાળી બાજુ દેખાડી આપી છે. કોરોનાએ અમેરિકા અને યુરોપના દેશોની પ્રગતિ, ઉત્તમ પૌષ્ટિક ખોરાક, આરોગ્ય અને બીજી સુવિધાઓની વાતો ખોખલી સાબિત કરી આપી છે!
કોરોના એ વાતનો પાકો પુરાવો છે કે વાયરસ માત્ર ગરીબ દેશો કે ગરીબ લોકો પૂરતા મર્યાદિત નથી. તે બધાને એક સમાન રીતે ખતમ કરી નખા છે. તેણે બતાવી આપ્યું છે કે કહેવાતી આધુનિકતા અને વિકાસની પણ પોતાની મર્યાદા છે.
દરેક મહામારી વખતે માણસની ભૂલો સામે આવે છે અને સુધારવાની ચેતવણી મળે છે. તેમાંથી જે સમાજ શીખતો નથી તેણે ખરાબ પરિણામો ભોગવ્યા છે. એવું માનવામાં આવે છે કે બ્લેક ડેથ તરીકે ઓળખાતી મહામારી 1346-1353માં મધ્ય એશિયાથી યુરોપ સુધી ફેલાઇ હતી. તેના કારણે યુરોપની અડધી વસતિ સાફ થઈ ગઈ હતી. અને તેના કારણે ઇતિહાસનો પ્રવાહ બદલાઈ ગયો હતો!
મહામારીને કારણે તે વખતે પ્રચલિત નગણ્ય મજૂરીની પ્રથા નાબુદ થઈ ગઈ હતી. બહુ ઓછા મજૂરો બચ્યા એટલે તેમને વધારે મજૂરી આપવાની ફરજ પડી હતી. તેના કારણે જ આગળ જતા ટેક્નોલૉજીના સંશોધન માટે પ્રેરણા મળી હતી તેમ કહેવાય છે.
જોકે ઇતિહાસ એ પણ દર્શાવે છે કે આવી મહામારી પછીય, પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ફેલાયેલા પ્લેગ પછીય, શક્તિશાળી દેશોનો એક બીજા પર કબજો જમાવવાનો લોભ અને લાલચ અટકતા નથી.
કુદરતને સમજીને જ વિકાસ
આજે ઇટાલી કોરોનાથી વિનાશ જોઈ રહ્યું છે ત્યારે 1960ના દાયકામાં 'ક્લબ ઑફ રોમ' નામનું જૂથ ઇટાલીમાં બન્યું હતું. વિશ્વના વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ તેના સભ્યો છે. 1972માં આ જૂથે એક અહેવાલ તૈયાર કર્યો હતો, જેનું શિર્ષક હતું 'વિકાસની મર્યાદા'.
અહેવાલમાં જણાવાયું હતું કે દરેક વિકાસની એક મર્યાદા હોય છે. પૃથ્વીનું સંતુલન જાળવી રાખ્યા વિના માનવજાતનો વિકાસ આગળ ના વધી શકે. અહેવાલમાં તારણ અપાયું હતું કે આપણું કુદરતી સંતુલન વસતિ વધારો સહન નહિ કરી શકે અને 2100ની સાલથી આગળ વધુ ઝડપી આર્થિક વિકાસ શક્ય નહિ બને.
કરોડોના ખર્ચે સંશોધન છતાંય આપણે સુક્ષ્મ જીવાણુઓનો સામનો કરવાની ક્ષમતા મેળવી શક્યા નથી! આજેય આપણે મલેરિયા સામે અસરકારક રસી શોધી શક્યા નથી. શિતળા ફરી દેખાઈ રહ્યા છે અને અમેરિકામાં પણ ઘણાને ફરીથી ઓરી-અછબડાં દેખાયા છે! બાયોમેડિકલ રિસર્ચમાં શું થઈ રહ્યું છે?
આપણે તેને સાયન્સ અને ટેક્નોલૉજી કહીએ છીએ, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને માત્ર ટેક્નોલૉજીમાં રસ પડતો હોય છે. આજના ઇન્સ્ટન્ટ યુગમાં વિદ્યાર્થીઓ કૉલેજમાંથી બહાર આવીને સીધી જ લાખોનો પગાર આપતી ટેક્નોલૉજી જોબ કરવા માગે છે. કોઈ વિદ્યાર્થીને પ્યોર સાયન્સમાં વર્ષો સુધી રહીને સંશોધન કરવામાં રસ નથી, ધીરજ નથી કે ઇરાદો પણ નથી.
વિકાસના ફળ સૌને મળવા જોઈએ
આજના સમયમાં બધી જ સરકારોનું ધ્યાન, બધા જ સત્તાધીશોનું ધ્યાન અને વિશ્વના નેતાઓનું ધ્યાન ફરીથી ચૂંટણી જીતવા તરફ હોય છે. નેતાઓ સત્તા ધારણ કરવામાં, વેપાર સંબંધો બાંધવામાં, યુદ્ધમાં અને દુનિયામાં બસ છવાઈ જવા જ માગે છે.
કોઈ મોટું દિલ રાખીને માનવજાતના ભવિષ્યનું, તેમના કલ્યાણનું વિચારે છે ખરું? સૌને એ બાબતમાં જ રસ છે કે કેવી રીતે વ્યાપક નરસંહાર કરવા માટેના શસ્ત્રો શોધવામાં આવે. કેવી રીતે ડ્રોનથી હુમલા કરી શકાય અને દુશ્મનને ખતમ કરી શકાય તેનો જ બધા વિચાર કરી રહ્યા છે.
આપણી જનતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે આનો અંશમાત્ર વિચાર પણ કોઈ કરી રહ્યું નથી! માનવસમાજની સૌથી મોટી કમનસીબી એ છે કે આપણા રાજકીય પંડિતોને નકામા સિદ્ધાંતો અને વિચારસરણીની ચર્ચા કરવામાં જ રસ છે!
માનવતા સામે કોઈ વિચારસરણીનો અર્થ નથી. માનવતા કરતાં કોઈ ધર્મ મોટો નથી. ઇતિહાસ આપણને આ જ વાત જણાવવા માટે વ્યર્થ પ્રયાસ કરતો રહ્યો છે! આમ છતાં શા માટે મૂડીવાદ, સામ્યવાદના નામે જાતને છેતરવામાં આવે છે. શા માટે ડાબેરી, જમણેરી અને ધર્મના નામે છેતરવામાં આવે છે!
અમેરિકા અને ચીન જેવા દેશોએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તેઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. માનવજીવનની ગુણવત્તામાં સુધારા વિનાનો વિકાસ નકામો છે. બીજાની સાથે સહજીવન શક્ય ના હોય તે વિકાસ છે જ નહિ! બધા જ દેશો સંકુચિત અને સ્વાર્થી વિચારસરણીથી પીડાઇ રહ્યા છે.
કમસે કમ હવે તો જાહેર આરોગ્યને અગ્રતા આપવાની જરૂર છે. દેશોએ જાહેર આરોગ્યની સુવિધા પાછળ રોકાણ કરવું રહ્યું. તંદુરસ્ત વિશ્વ જ પ્રથમ અગ્રતા હોવી જોઈએ. કોરોનાનું સંકટ આવ્યું છે ત્યારે બધા દેશોએ મતભેદો ભૂલીને સહકાર સાધવો જોઈએ અને વૈજ્ઞાનિક સંશોધન એકબીજા સાથે શેર કરવું જોઈએ.
વ્યક્તિવાદ અને માનવ સમાજ વિશે પણ નવેસરથી વિચારવાનું કોરોના જણાવી રહ્યો છે. તેણે સાબિત કરી આપ્યુ છે કે આપણે નાશવંત મનુષ્યો જ છીએ! તે આપણે ચેતવી રહ્યો છે કે સાથી મળીને જીવવાનું શીખી લો. રોબો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે રહેવાના બદલે એકબીજા સાથે રહેવાનું શીખો.
એમ નહિ થાય તો ઇસુ પૂર્વ અને ઇસવી સનના બદલે કોરોના પૂર્વ અને કોરોના બાદ એવી રીતે યુગને યાદ કરવો પડશે. કમ સે કમ કોરોના પછી તો આપણે શીખીએ, વધારે સારા મનુષ્ય બનીએ, વધુ માનવતાભર્યા બનીએ.
વાઇરસને કારણે વ્યાપક નુકસાન!
નામ જુદાજુદા હશે, પણ છેલ્લા બે ત્રણ દાયકામાં અગાઉ કરતાં વધુ વાઇરસના હુમલા થતા રહ્યા છે. સાર્સ, સ્વાઇન ફ્લૂ, ઇબોલા, મેર્સ, જેઇકા, યલો ફિવર વગેરેએ એક યા બીજી રીતે માનવજાતને પડકાર ફેંક્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાને દર મહિને નવા 5,000 જેટલા લક્ષણો મળે છે તેના પરથી જ આનો ખ્યાલ આવે છે. વિશ્વ બેન્કના અંદાજ અનુસાર આ વૈશ્વિક રોગચાળાને કારણે વર્ષે $57 અબજ ડૉલરનું નુકસાન થાય છે! એવું માનવું ભૂલ ભરેલું કે માત્ર દેશો વચ્ચે યુદ્ધોને કારણે નુકસાન થાય છે. આ અદૃશ્ય જંતુઓ સામેની લડાઈ વધારે મોંઘી પડી રહી છે. તેની સામે ડહાપણથી કામ નહિ લઈએ તો વધારે મોટું નુકસાન થશે!