લોકસભાની ચૂંટણી પુરા થયાના ચાર મહિના બાદ દેશમાં ફરી એક વખત ચૂંટણીનો માહોલ જોવા મળશે. ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા મતદાન થશે. બંને રાજ્યોમાં 24 ઓક્ટોબરે પરિણામ આવશે. હાલ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, એવામાં લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતને દોહરાવવા બંને પાર્ટીઓ પ્રયાસ કરશે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ ઘણી રીતે ખાસ છે, કારણ કે છેલ્લા ચાર મહિનામાં રાજકારણમાં ઘણું બદલાયું છે, જેની આ ચૂંટણીના પરિણામો પર અસર પડી શકે છે.
મહારાષ્ટ્રમાં વિદર્ભમાં દુષ્કાળ અને ખેડૂતોની આત્મહત્યા, પૂરગ્રસ્ત વિસ્તાર અને સૌથી વધુ મરાઠી અનામત આંદોલન અસર કરી શકે છે, તો બીજી તરફ હરિયાણામાં બેરાજગારી, સમાજીક અસમતા અને યુવાનોની બેકારી અસર કરી શકે છે.
- લોકસભા ચૂંટણી બાદની પ્રથમ ચૂંટણી
આ વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીના ચાર મહિના પછી થઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લિટમસ ટેસ્ટ પણ કહેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર અને હરિયાણા એમ બંને રાજ્યોમાં ભાજપે મોટી સંખ્યામાં લોકસભા બેઠકો જીતી હતી.
- કલમ 370 દૂર કર્યા પછીની પ્રથમ ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાના નિર્ણયને મોદી સરકારના મહત્વના નિર્ણય તરીકે જોવામાં આવ્યો છે. જેની ચર્ચા આખા દેશમાં થઈ છે. પક્ષ-અપક્ષ તરફથી વિરોધ પણ ઉઠ્યા છે. સરકારનું કહેવું છે કે, અમે દેશનો અવાજ સાંભળ્યો છે. જેથી આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાઓ પર ચર્ચા વધુ તીવ્ર થઈ શકે છે.
- ટ્રિપલ તલાક કાયદા પછીની પ્રથમ ચૂંટણી
ભાજપ મુસ્લિમ મહિલાઓના હક્ક માટે સતત ટ્રિપલ તલાક બિલ લાવવાની વાત કરી રહ્યું હતું. અગાઉના કાર્યકાળમાં રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શક્યું નહતું, પરંતુ આ વખતે બિલને બંને ગૃહો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે આ મુદ્દો ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં ઉઠાવી શકે છે.
- રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસની પહેલી કસોટી
લોકસભાની ચૂંટણીમાં સતત બીજીવાર મોટી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેનાથી દેશની સૌથી જૂની પાર્ટીમાં નેતૃત્વનું સંકટ સર્જાયું હતું, તો એકવાર ફરી સોનિયા ગાંધીના હાથમાં પક્ષની કમાન પહોંચી છે. લોકસભાની ચૂંટણીમાં રાહુલે જે મુદ્દાઓ ઉઠાવ્યા તેમાં સફળ થઈ શક્યા નહીં. આવી સ્થિતિમાં હવે આ ચૂંટણીઓના આધારે કોંગ્રેસને આશા છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં કેટલાક અંશે સફળ થશું, પણ આવનારો સમય જ બતાવશે.
આ મોટા મુદ્દાઓ ઉપરાંત, એવા ઘણા મુદ્દાઓ છે, જે આ ચૂંટણીઓમાં ખાસ રહેશે. વર્તમાન અર્થવ્યવસ્થામાં, નોકરીની ચિંતા જેવા અનેક મુદ્દાઓને લઇને વિપક્ષ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન લગાવી શકે છે.