આ મુદ્દાને ટ્રમ્પ અમેરિકાની આગામી પ્રેસિડેન્ટ ચૂંટણીમાં પણ ઉઠાવવા તૈયારી કરી રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે, જો શુલ્ક ઘટાડવામાં આવશે તો ભારતીય મરઘાં ઉછેર ઉદ્યોગને અનેક નવા પડકારોનો સામનો કરવો પડશે. જેના લીધે ભારતીય મરઘાં ઉછેર ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો ભારત સરકાર પર અમેરિકાની માગણી નહીં માનવા દબાણ કરી રહ્યાં છે.
વિશ્વભરમાં ચિકન મીટની ખપત વધવાને કારણે ભારતીય મરઘી પાલન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. આ બધા વચ્ચે અમેરિકાથી મોટી સંખ્યામાં ચિકન મીટની આવકના સમાચારથી સ્વદેશી મરઘી પાલકોમાં ઉહાપોહની સ્થિતિ સર્જાઈ છે. જો આમ થશે તો ભારતીય બજારમાં ભાવમાં ઘટાડો આવી શકે છે. જેની સીધી અસર સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પર જણાશે.
વર્તામાન સમયમાં ભારત પોલ્ટ્રી આયાત પર 100 ટકા શુલ્ક લગાવે છે. જેને અમેરિકા 30 ટકા કરવા દબાણ કરી રહ્યું છે. ભૂતકાળમાં પોલ્ટ્રીના ભાવ ઘટવાને કારણે આ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલના સમયમાં મીટના વધી રહેલા વપરાશને કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આગામી દિવસોમાં તેમનું નુકસાન ભરપાઈ કરવાની તક મળશે. જાણકારાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, હાલના સમયમાં વિદેશી ઉત્પાદકો માટે ભારતીય બજાર ખોલવું જોખમી પુરવાર થઈ શકે છે.
અમેરિકાથી ચિકન લેગની આયાત કરવા માટે ઘણું રસપ્રદ કારણ છે. અમેરિકાના લોકો ચિકન બ્રેસ્ટ ખાવાનું વધારે પસંદ કરે છે. જેમાં ફેટનું પ્રમાણ ઘઉં ઓછું હોય છે. ચિકન લેગમાં ચિકન બ્રેસ્ટના પ્રમાણમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. જેથી અમેરિકાના લોકો ચિકન બ્રેસ્ટ ખાવાનું વધારે પસંદ કરે છે.
આ ઉપરાંત અમેરિકાના લોકો જમવા માટે છરી અને કાંટાનો ઉપયોગ કરે છે. જેને ખાવામાં અગવડતા પણ ચિકન લેગથી દૂર રહેવાનું એક કારણ છે. આ કારણોસર અમેરિકામાં ચિકન લેગની માગ ઓછી છે અને તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે.
અમેરિકા આ પહેલાં યુરોપિયન યૂનિયન, ચીન અને અન્ય અવિકસીત દેશોમાં ચિકન લેગની નિકાસ કરતું રહ્યું છે. સમયની સાથે અહીંની બજારોમાં ઘરગથ્થુ ઉત્પાદનોનું પ્રમાણ ઘણું વધી ગયું. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વોરને કારણે હવે અમેરિકાનું ધ્યાન ભારતીય બજારો તરફ આકર્ષાયું છે.
135 કરોડની વસ્તી ધરાવતું ભારતીય બજાર અમેરિકા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં ચિકન લેગની માગ વધારે હોવાને કારણે અમેરિકા પોતાના ઉત્પાદનની વધુમાં વધુ નિકાસ ભારતમાં કરવા ઈચ્છે છે. પોલ્ટ્રી મીટ અમેરિકામાં ઘણું સસ્તું છે. અને એ જ કારણ છે કે, ત્યાંના ઉત્પાદનો ભારતીય માર્કેટમાં ઘણી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.