ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અર્થ ડેની પ્રતિજ્ઞાઃ વસુંધરાના સંવર્ધન સાથે વસુધૈવ કુટુંબકમ - વસુંધરા

22 એપ્રિલ 2020નો અર્થ ડે ઐતિહાસિક બની રહ્યો, કેમ કે 1970 પછી પહેલીવાર વિશ્વનું અને ખાસ કરીને દિલ્હીનું આકાશ અનેરી રીતે સ્વચ્છ રહ્યું. પૃથ્વી દિવસની શરૂઆત કરાવનારા જ્હોન મેક્કોનેલ સ્વર્ગમાં બેઠા બેઠા ધરતીને આટલી સ્વચ્છ જોઈને ખુશ થયા હશે - ન ધૂમાડો, ન પ્રદૂષણ, શુદ્ધ ઑક્સિજન શ્વાસમાં લઈને ઇન્દ્રના દરબારીઓ પણ ઝૂમ્યા હશે. પરંતુ શું કાયમ આપણી ધરાને આટલી નિરાળી રાખી શકીશું? પ્રતિજ્ઞા કરી શકીશું કે હવા અને પાણીને અર્થતંત્ર ધમધમતું કરવા છતાં સ્વચ્છ રાખીશું? આત્મમંથન કરતાં ખ્યાલ આવશે કે ‘કુદરતને કાબૂમાં’ કરવાની લાહ્યમાં આપણે ધરતીને વિનાશને કિનારે લાવી દીધી છે.

a
અર્થ ડેની પ્રતિજ્ઞાઃ વસુંધરાના સંવર્ધન સાથે વસુધૈવ કુટુંબકમ

By

Published : Apr 22, 2020, 4:10 PM IST

અણુયુદ્ધ પછીનો સૌથી મોટો ખતરો માનવજાત સામે કોઈ હોય તો તે પર્યાવરણનો નાશ છે. નોઆમ ચોમ્સ્કીએ હાલમાં જ લખ્યું હતું કે ભારત અને પાકિસ્તાન જળસ્ત્રોતના મામલે કદાચ અણુયુદ્ધ કરી બેસે. ઘસારો થઈ ચૂક્યો છે અને પૃથ્વી આનાથી વધુ ઘા સહન કરી શકે તેમ નથી. રોગચાળો અને આપદા એ કુદરતની ચેતવણી છે કે સુધારો કરો. પર્યાવરણનું સંતુલન ખોરવાતું અટકાવવું જરૂરી છે અને નવું અર્થતંત્ર, નવી દુનિયાનું સર્જન કરવું જરૂરી છે.

કેવી રીતે બનાવી શકીએ નવી દુનિયા? શું ભૌતિક પદાર્થોનો ત્યાગ કરીએ, જવાબદારીઓ છોડી દઈએ, ટેક્નોલૉજી વિનાનું જીવન પસંદ કરીને જંગલમાં જઈને સંન્યાસી થઈને બેસી જઈએ? ના. કોરોના મહાસંકટ બનીને આવ્યું છે, પણ સાથે તક પણ આપી છે કે અમર્યાદ ઉપભોગ ઘટાડીએ અને નવીન દૃષ્ટિએ વિચારીએ કે જળવાયુ કેવી રીતે સ્વચ્છ રાખવા કે શહેરોમાં પણ પક્ષીઓનો ગુંજારવ ફરી ગુંજી ઉઠે. જળવાયુ પરિવર્તનના વિનાશથી બચવા માટે પાંચ સિદ્ધાંતો પર કામ કરવું પડશે - ઓછો વપરાશ, વારંવાર વપરાશ, નવસર્જન, સ્વદેશી અને જૈવિક ખેતી.

આપણે ગ્રીન ઇકોનોમી (પ્રદૂષણરહિત, પદાર્થોના પુનઃઉપયોગ) તરફ વળવું પડશે. છેલ્લી સદી દરમિયાન ટેક્નોલૉજીએ કુદરતને ઘાત થાય તેવું જ કર્યું છે. હવે બંનેને સાથે જોડવા પડશે. પ્રદૂષણ ના કરે, પદાર્થોના વારંવાર ઉપયોગ થાય અને ટકાઉ વિકાસ થાય તેવી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કરવી પડશે.

શરૂઆત ક્યાંથી થાય? પર્યાવરણ માટે જાગૃત્તિ લાવીને શરૂઆત કરી શકાય. આ ધરતી પણ જીવંત છે, તે માત્ર ખનીજ, માટી, જળનો સ્ત્રોત નથી. આપણી સાથે તે પણ ધબકતી રહેવી જોઈએ. ભૂમિ સાથેનો આપણો લગાવ જગાવવો પડશે, આપણા નદી-નાળાં, પર્વતો, જંગલો સાથેનો નાતો સ્થાપવો પડશે.

ભૂમિ સાથે લગાવ જાગે તે પછી તેના પર પડતાં આપણાં કદમને આપણે સંભાળવાના છે. આપણે કોઈ પણ ઉત્પાદન ખરીદી છીએ કે વાપરીએ છીએ ત્યારે તેનો ભાર ભૂમિ પર પડે છે. મોટું મકાન, મોટી એસયુવી કાર, ઘરના બધા માટે કાર, ઘરમાં લક્ઝરી ઉપકરણો બધાનો જ બોજ ધરતી પર પડે છે.

પાણીનો, અશ્મીભૂત પેટ્રોલ-ડીઝલ જેવા બળતણનો, વીજળીનો ઉપયોગ ઓછો કરીએ તેનાથી પર્યાવરણ અને પૈસો બંને બચી શકે છે.

પૃથ્વી પર મર્યાદિત સંસાધનો છે અને બેફામ વપરાશને કારણે આપણે ભાવી પેઢીને ખોટમાં નાખી રહ્યા છીએ. બીજા મનુષ્યનું કે પૃથ્વીનું શોષણ થતું હોય તેવા પદાર્થોનો ઉપયોગ બંધ અથવા ઓછો કરી દેવો જોઈએ. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં વિચારો - શું મારે ખરેખર આની જરૂર છે? શું આના વપરાશથી મને અને ધરતીને નુકસાન થાય છે?

વપરાશ ઓછો કરવાનો સહેલો રસ્તો છે વસ્તુનો વારંવાર ઉપયોગ કે વૈકલ્પિક ઉપયોગ. આરઓમાં મોટા પાણી વેડફાય છે, તેનો ઉપયોગ છોડને આપવામાં કે વાસણ ધોવામાં કરી શકાય. જૂના કપડાંની સાદડી બનાવી શકાય. પહેલાંના જમાનામાં એ રીતે જ ગોદડાં બનતાં. રસોઇ કરતાં જે વધે તેને એકઠું કરવું જોઈએ અને તેમાંથી કૉમ્પોસ્ટ ખાતર બનાવવું જોઈએ.

મૂત્રનો પણ ઉપયોગ થઈ શકે - કેમ કે તેમાં યુરિયા અને ફોસ્ફરસ હોય છે, જે અર્બન ગાર્ડનમાં ખાતર તરીકે ચાલી શકે. એ જ રીતે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાંથી કોઈ વસ્તુને કચરામાં ફેંકી દેતા પહેલાં તેનો બીજો શો ઉપયોગ થઈ શકે તે વિચારી લેવું જોઈએ.

આપણે કંઈ આ પૃથ્વીના માલિક નથી, પણ તેના રહેવાસી છીએ અને આ આપણું ઘર છે તે રીતે વિચારવાની જરૂર છે. વડવાઓ તેને તંદુરસ્ત રાખીને આપણને સોંપીને ગયા તો ભાવી પેઢી માટે એવી જ તંદુરસ્ત ભૂમિ આપણે રાખવી જોઈએ. ઘરમાં આપણને જે રીતે એરકન્ડિશન અને એર પ્યોરિફાયરની જરૂર પડે છે તે રીતે પૃથ્વીનેપણ કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત હવા અને કેમિકલથી મુક્ત જળ જોઈએ.

કાર્બન રિડક્શન માટેની નીતિમાં નવીન રીતે વિચાર કરવાની જરૂર છે. ફોસ્સિલ ફ્યુઅલની જગ્યાએ બાયો-ફ્લુઅલ વાપરવાના બદલે જીવનશૈલી બદલાનું વિચારવું જોઈએ. આપણે જૈવિક પદ્ધતિએ, કુદરતી પદ્ધતિએ જીવન વિતાવતા શીખવું પડશે અને તે રીતે અર્થતંત્રને વાળવું પડશે. તમારે માત્ર પોતાના માટે વિચારવાનું નથી, પણ તમારું જીવન સમગ્ર રીતે ધરાના જીવનને અસર કરે છે તે રીતે વિચારવાનું છે અને કુદરતને સંતુલિત કરવા તરફ પ્રયાસો કરવાના છે, તેને બગાડવાના નહિ.

મહાત્મા ગાંધીએ એક સદી પહેલાં આ માટેનો માર્ગ આપણને બતાવ્યો હતો. તેમણે તેને નામ આપ્યું હતું સ્વદેશી અર્થતંત્ર. આ અર્થતંત્ર સ્વાવલંબન પર આધારિત છે. સ્વનું અને શ્રમનુ ગૌરવ અને સહકાર પર આધારિત છે. તેના કારણે ધરતીને બહુ જ ઓછું નુકસાન થાય છે. તેમણે વિગતવાર લખ્યું હતું કે કઈ રીતે દરેક ગામ સ્વાવલંબી બને. “જરૂર પડે સમગ્ર દુનિયા સામે પોતાનું રક્ષણ કરે,” એ હદે સ્વાવલંબી બનવાની શીખ તેમણે આપી હતી. સ્વદેશીમાં ઉત્પાદનને વિકેન્દ્રિત કરવાનું હતું, ખુદ જેવું વધારે ઉત્પાદન કરે તે બીજાને આપે અને અન્ય પાસેથી પોતાની જરૂરિયાત મેળવે.

ભારતમાં સ્વદેશી 2.0 આપણે અપનાવવી રહી. તેના માટે જૈવિક ટેક્નોલૉજીનો સહારો લઈ શકાય. આ કોઈ નકારાત્મક પ્રક્રિયા નથી કે નથી કશાનો બહિષ્કાર કરવાનો કે ધૃણા કરવાની. સ્વાવલંબન માટેની આ હકારાત્મક પ્રક્રિયા છે. કુટુંબ અને રાષ્ટ્ર તરીકે આપણે જરૂરિયાતનું બધું જ જાતે તૈયાર કરવા માટેનું વિચારવું પડશે. દવા હોય કે અનાજ બધું જ નજીકમાં જ તૈયાર થતું હોવું જોઈએ. આપણે સૌ જાતે નિર્ણયો લેવા સક્ષમ હોવા જોઈએ. આપણે સ્થાનિક ધોરણે ઉત્પાદિત વસ્તુઓ જ વાપરવી જોઈએ. સ્વદેશી અપનાવો અને કશુંય ખરીદતા પહેલાં વિચારો કે આના બદલે સ્થાનિક વસ્તુ મને ક્યાંથી મળશે.

હવે પાંચમાં સિદ્ધાંતની વાત કરીએ, જે છે જૈવિક ખેતી. પૉલ્ટ્રી ફાર્મ અને કેટલ ફાર્મથી માંડીને ઔદ્યોગિક રીતે તૈયાર થતી ખાણીપીણીની પદ્ધતિને કારણે મનુષ્યનું સ્વાસ્થ્ય કથળ્યું છે અને પૃથ્વીને પણ કેન્સર ગ્રસી ગયું છે. ખેડૂતોની આત્મહત્યા, સીમાંત ખેડૂતોની નાદારી, ગ્રામીણ વિસ્તારમાં ગુનાખોરી અને શોષણ આ બદલાયેલા જીવનની દ્યોતક છે. નદીઓ ખાતર અને જંતુનાશકથી પ્રદૂષિત થઈ છે અને ગ્રાહકોને ડાયાબિટિસથી માંડીને કેન્સર સુધીની તકલીફો વધવા લાગી છે. એટલું જ નહિ, રસાયણિક ખાતરો પર અપાતી સબસિડીનો બોજ પણ ભારતીય કરદાતાઓ પર આવે છે.

પણ શું જૈવિક ખેતી શક્ય છે? ML Jat, Principal Scientist CIMMYTના મુખ્ય વૈજ્ઞાનિક એમ. એલ. જતના એક અભ્યાસપત્ર અનુસાર તે શક્ય છે. તેનાથી વધુ પૌષ્ટિક અને શુદ્ધ અનાજ પેદા થાય છે, એટલું રસાયણોનો અને બળતણનો ઓછો ઉપયોગ થાય છે. જળ શુદ્ધ થાય છે, કાર્બન ઓછો થાય છે, નાઇટ્રોજનનું ચક્કર બરાબર ચાલે છે અને ખાદ્યપદાર્થો સ્વાદિષ્ટ બને છે.

તો શરૂઆત ક્યાંથી કરીએ? તમારા ઘરેથી જ શરૂઆત કરો. નાનકડો બગીચો બનાવો અને કુંડા લાવને તેમાં કોથમીર જેવી શાકભાજી વાવો. તમને ભાવતી અને ઉગી શકે તેવી શાકભાજી ઉગાડો. તમારે ઘરે શક્ય ના હોય તો કુદરતી રીતે તૈયાર થતા પદાર્થો જ ખેડૂતો પાસેથી ખરીદો. ખાસ કરીને શહેરમાં શાકભાજીની વાડીઓની જરૂર છે, જેથી બાળકોને બતાવી શકાય કે આ બધું ફ્રીજમાંથી નહિ, પણ છોડમાંથી આવે છે.

આ બધા સિદ્ધાંતોનું પાલન એટલે ગ્રીન ઇકોનોમી. દુનિયા અત્યારે મંદીના ખાડામાં પડી છે ત્યારે ભારતે રાખમાંથી બેઠા થઈને નવી પદ્ધતિના પ્રારંભ કરવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું તે પ્રમાણે સ્વદેશી અર્થતંત્ર આપણી રગોમાં દોડે જ છે. આ વખતના અર્થ ડે નિમિત્તે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વસુંધરાના સંવર્ધનનું કામ ઉપાડી લઈશું.

ઈન્દ્ર શેખર સિંહ, ડિરેક્ટર, નેશનલ સીડ એસોસિએશન ઑફ ઇન્ડિયા

ABOUT THE AUTHOR

...view details