હૈદરાબાદઃ કોવિડ-19 મહામારીએ વિશ્વભરની શૈક્ષણિક વ્યવસ્થાને બદલી નાંખી છે. મોટાભાગનાં રાષ્ટ્રો વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે એક ફુલપ્રૂફ પ્લાન તૈયાર કરવાની મથામણ કરી રહ્યાં છે. ઇટલી અને દક્ષિણ કોરિયાએ ઓનલાઇન ક્લાસનો માર્ગ અપનાવ્યો, તો વિએટનામ અને હોંગ કોંગ જેવા દેશોએ તેમની શાળાઓને આંશિક રીતે ફરી શરૂ કરી હતી. કેસો સતત વધી રહ્યા છે, ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે, ભારતની શાળા અને કોલેજો વર્ગખંડનું શિક્ષણ શરૂ કરી શકશે નહીં. કેન્દ્ર અને રાજ્ય, એમ બંને શાળાઓએ ઓનલાઇન વર્ગો થકી ગયા વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો. શાળાઓ અને જુનિયર કોલેજોએ પરીક્ષા લીધા વિના જ તેમના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલી દીધા છે. ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓએ હજી તેમની આગળની કાર્યવાહી નક્કી કરવાનું બાકી છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ શાળા અને કોલેજો પુનઃ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરી હતી, તેમ છતાં શાળા-કોલેજો ખૂલવાની તારીખો સતત પાછી ઠેલાતી રહે છે. સલામત અને કાર્યક્ષમ શૈક્ષણિક અનુભવ માટે, નિષ્ણાતો ડિજિટલ અને વર્ગખંડનું સંયોજન ધરાવતા શિક્ષણની હિમાયત કરે છે.
ઓનલાઇન શિક્ષણ એ પરંપરાગત શિક્ષણ કરતાં ઘણું જૂદું છે. વર્તમાન અભ્યાસક્રમને અનુસરવા માત્રથી વર્તમાન જરૂરિયાતો નહીં સંતોષાઇ શકે. અભ્યાસક્રમ અને પાઠનું આયોજન બદલવું જરૂરી છે. તાજેતરમાં, શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, CBSE અભ્યાસક્રમને તે મુજબ બદલવામાં આવશે. અગાઉ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર આગામી શૈક્ષણિક વર્ષ માટે અભ્યાસક્રમ તથા સૂચનાત્મક કલાકો ઘટાડી શકે છે. કર્ણાટકની સરકાર પણ શાળાઓ માટે અભ્યાસક્રમ ઘટાડવા અંગે વિચારણા કરી રહી છે. જોકે, પાઠ્યક્રમમાં સુધારો કરવાનું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગણિત અને સામાન્ય વિજ્ઞાન જેવા વિષયોમાં, દરેક પાઠ બીજા પાઠ સાથે આંતરિક રીતે જોડાયેલો હોય છે. વિદ્યાર્થીઓને આવા વિક્ષેપને કારણએ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. શિક્ષણ નિષ્ણાતોએ સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારનો હોય, તેવો અભ્યાસક્રમ ઘડવો જોઇએ.