ન્યુઝ ડેસ્ક : હનીમૂન સિસ્ટાઇટિસ પહેલાં આપણે સિસ્ટાઇટિસ (મૂત્રાશય દાહ) વિશે સમજૂતી મેળવી લઇએ. સિસ્ટાઇટિસ એ યુરિનરી બ્લેડર ઇન્ફ્લેમેશન માટે તબીબી ભાષામાં વપરાતો શબ્દ છે. આ તકલીફ કોઇને પણ થઇ શકે છે. મૂત્રાશયનો આ દાહ ત્યારે સર્જાય છે, જ્યારે યોનિમાર્ગ ખૂલવાના કારણે બેક્ટેરિયા તેના થકી મૂત્રાશયમાં પ્રવેશે છે. આ ઇન્ફ્લેમેશન બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે અને આથી આ સ્થિતિ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે.
હનીમૂન સિસ્ટાઇટિસ એ જાતીય સમાગમના કારણે થતા સિસ્ટાઇટિસનો એક પ્રકાર છે, જેમાં મૂત્રાશયની દીવાલ ફૂલી જાય છે. પરંતુ મૂત્રાશયનું આ ઇન્ફ્લેમેશન જાતીય સંબંધના કારણે થતું હોવાથી તે હનીમૂન સિસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે.
પણ, તે શા માટે ચિંતાનો વિષય છે? યોનિની દીવાલનું આ ઇન્ફ્લેમેશન વારંવારના જાતીય સંબંધના કારણે થાય છે, જેના કારણે બેક્ટેરિયા સહેલાઇથી યુરિન ટ્યૂબમાં દાખલ થાય છે અને તેના કારણે મહિલાઓને ઇન્ફેક્શન અને UTIની તકલીફ રહે છે. હનીમૂન સિસ્ટાઇટિસ એ સમાગમના કારણે થતું UTI છે. અને આપણે સૌ જાણીએ છીએ કે, UTI એ પુરુષો અને સ્ત્રીઓ માટે ચિંતાજનક સ્થઇતિ છે, જેની અસર જાતીય આરોગ્ય પર પડે છે.
પેરિનિયમ વિસ્તારમાં રહેલા બેક્ટેરિયા યુરિન ટ્રેક્ટમાં પ્રવેશીને મૂત્રાશય સુધી પહોંચે છે અને ત્યાં સ્થાયી થઇ જાય છે, જેના કારણે ઇન્ફ્લેમેશન થાય છે, આ સ્થિતિ સિસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા લાંબા સમય બાદ સમાગમ કરનારી મહિલાઓ ઉપરાંત મેનોપોઝમાંથી પસાર થઇ રહેલી મહિલાઓમાં પણ જોવા મળે છે.
એન્ડ્રોલોજિસ્ટ ડો. રાહુલ રેડ્ડી આ સ્થિતિનાં લક્ષણો સમજાવે છે. “સિસ્ટાઇટિસ અને હનીમૂન સિસ્ટાઇટિસ, એ બંનેનાં મૂળભૂત લક્ષણો એકસમાન હોય છે. જેમાં, બળતરા, પેડુમાં દુખાવો, ઠંડી ચઢીને તાવ આવવો અને વારંવાર પેશાબ કરવા જવું પડે વગેરેનો સમાવેશ થાય છે,” તેમ ડોક્ટર સમજાવે છે.
હનીમૂન સિસ્ટાઇટિસ સરેરાશ ત્રણથી ચાર દિવસ સુધી મહિલાઓની યોનિમાં રહે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી મોટાભાગની મહિલાઓને આ તકલીફમાંથી રાહત થઇ જાય છે. પરંતુ જે સ્ત્રીઓ પૂરતું પાણી ન પીતી હોય, તેમના માટે આ તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારી મહિલાઓમાં આ સ્થિતિ બેથી ત્રણ સપ્તાહ સુધી રહી શકે છે અને તેમણે છૂટકારો મેળવવા દવા લેવી પડે છે. ઘણા જ ઓછા કિસ્સામાં આ ઇન્ફેક્શન કિડની સુધી પહોંચે છે.
ડો. રેડ્ડી મહિલાઓ કેવી રીતે આ ઇન્ફેક્શનથી દૂર રહી શકે છે, તે વિશે વાત કરતાં જણાવે છે, “મહિલાઓ સમાગમ પછી તરત જ પેશાબ કરે, ત્યારે મોટાભાગના બેક્ટેરિયા વહી જાય છે. હનીમૂનના સમય દરમિયાન પૂરતું પાણી પીવાથી પણ બેક્ટેરિયાનો નિકાલ કરવામાં મદદ મળી રહે છે, કારણ કે મૂત્રાશય વારંવાર ખાલી થવાથી બેક્ટેરિયા પણ વહી જાય છે. લગ્નના પ્રારંભિક દિવસો દરમિયાન અવાર-નવારના જાતીય સંબંધના ગાળામાં યોગ્ય લુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી અને સંબંધ બાંધ્યા બાદ યોનિના ભાગને લૂછી નાંખવાથી મહિલાઓ ઇન્ફેક્શનથી બચી શકે છે. મેનોપોઝમાંથી પસાર થઇ રહેલી મહિલાઓએ (જો તેઓ જાતીય સંબંધ બાંધતી હોય, તો) યોનિની દીવાલની અંદર રક્ત પ્રવાહ તથા લુબ્રિકેશન વધારવા માટે હોર્મોનલ ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ. આમ કરવાથી તેમને મૂત્રાશયના કોઇપણ પ્રકારના ઇન્ફ્લેમેશનથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.
હનીમૂન સિસ્ટાઇટિસ લગ્નના પ્રારંભિક ગાળા કરતાં મેનોપોઝ ધરાવતી મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. મેનોપોઝના તબક્કામાં પહોંચેલી સ્ત્રીઓએ આ પરિસ્થિતિનો વારંવાર સામનો કર્યો હોવાથી તેઓ સમાગમ કરતાં ભય અનુભવે છે, જેનાથી તેમનું જાતીય જીવન પ્રભાવિત થાય છે. આ મહિલાઓમાં હોર્મોનલ અસંતુલનને કારણે યોનિની દીવાલમાં શુષ્કતા આવી જાય છે. વળી, ડાયાબિટીસ અને મેદસ્વીતા ધરાવતી કેટલીક મહિલાઓમાં સિસ્ટાઇટિસને નિયંત્રિત કરવામાં સમય લાગતો હોય છે.
સિસ્ટાઇટિસ એ UTIનું એક સ્વરૂપ હોવાથી તેના કારણે મહિલાઓને બળતરા થાય, યોનિમાં ખંજવાળ આવે અને પેડુમાં દુખાવો થઇ શકે છે. લગ્નના શરૂઆતના ગાળામાં પૂરતું પાણી પીને તથા પ્રારંભિક તબક્કામાં જ આ તકલીફ પર ધ્યાન આપીને જરૂરી દવાઓ લઇને આ સ્થિતિથી બચી શકાય છે, ત્યારે મેનોપોઝ ધરાવતી મહિલાઓ માટે આ સ્થિતિ પીડાદાયક બની શકે છે.
તમે તમારી સમસ્યાઓના ઉકેલ માટે andrologistdoctor@gmail.com પર ડોક્ટર રાહુલ રેડ્ડીનો સંપર્ક સાધી શકો છો.