વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ માહિતી આપી હતી કે , " હમઝા બિન લાદેન અલ કાયદાના મુખ્ય આતંકવાદીઓ, આતંકવાદી પ્રવૃતિઓ તેમજ તેના પિતા ઓસામા બિન લાદેનથી અલગ રહ્યો હતો. તેમ છતાં વિવિઘ આતંકવાદી જુથોના આતંકી કાવતરા રચવામાં તેની સંડોવણી હતી.
અમેરિકાના મીડિયાએ ઓગષ્ટમાં જ હમઝા માર્યો ગયો હોવાના દાવા સાથે અહેવાલ પ્રકાશિત કર્યા હતાં.
30 વર્ષનો હમઝાનો જન્મ સાઉદી અરબના જેદાહમાં થયો હોવાની માહિતી છે. તે ઓસામા બિન લાદેનની ત્રીજી પત્ની ખૈરિયા સબરનું સંતાન છે.
હમઝા બાળપણથી જ આતંકવાદી જુથ અલ કાયદા સાથે જોડાઈ ગયો હતો. તે ઘણા વીડિયોમાં દેખાયો છે, જ્યારે તેની ઉંમર નાની હતી.
અમેરિકન સરકારે હમઝાને અલ કાયદાનો ઉભરતો આતંકી ગણાવ્યો હતો. તેમજ તેની માહિતી આપનારને લાખો ડોલરના વળતરની જાહેરાત કરી હતી.
હમઝાનું છેલ્લું જાહેર નિવેદન અલ-કાયદાની મીડિયા પાંખ દ્વારા વર્ષ 2018માં જાહેર કરાયું હતું. આ સંદેશમાં તેણે સાઉદી અરબને ધમકી આપી હતી અને અરબી દ્વિપકલ્પના લોકોને બળવો કરવા ઉશ્કેર્યા હતાં. જેથી સાઉદી અરબે આ વર્ષે માર્ચ મહિનામાં તેનું નાગરિકત્વ રદ કર્યું હતું.