દિલ્હીઃ સોમવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીના બલ્લિમારાન વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર લતા સોઢી માટે જનતા પાસેથી મત માંગ્યા હતા.
ETV ભારત સાથે વાત કરતા પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, દિલ્હીની જનતા એકતરફી ભારતીય જનતા પાર્ટીની સાથે ઉભી છે. દિલ્હીની જનતાને વડાપ્રધાન મોદી પર પૂરો વિશ્વાસ છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કેજરીવાલે દિલ્હીની જનતાને ફક્ત છેતરી છે, હવે દિલ્હીની જનતા કેજરીવાલની વાસ્તવિકતાથી વાકેફ થઈ ગઈ છે.
કેજરીવાલ સરકાર પર પ્રહાર કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર દ્વારા ચાલુ કરાયેલા મહોલ્લા ક્લિનિકમાં કૂતરા સૂતા જોવા મળે છે, મોહલ્લા ક્લિનિકમાં ડોકટરો અને દવાઓનો કોઈ પત્તો નથી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યુ હતું કે, દિલ્હીમાં વધતું પ્રદૂષણ એ એક મોટી સમસ્યા છે, જેના માટે મુખ્યપ્રધાન દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે 11 મીએ દિલ્હીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી લાવીને સરકાર બનાવશે.