નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલ સસ્તું થઈ ગયું છે. દિલ્હી સરકારે ડીઝલ પર વેટ ઘટાડ્યા બાદ શુક્રવારે નેશનલ કેપિટલ રિજનમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 73.56 પર આવી ગયો છે. જોકે, અન્ય મહાનગરોમાં ડીઝલનો ભાવ સતત પાંચમા દિવસે સ્થિર રહ્યો હતો.
વળી છેલ્લા એક મહિનાથી દેશભરમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, શુક્રવારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં ડીઝલના ભાવ ક્રમશ 73.56, 77.04, 80.11 અને 78.86 રૂપિયા પ્રતિ લિટર નોંધાયા છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ 32 માં દિવસે યથાવત રહીને ક્રમશ: રૂપિયા 80.43, 82.10, 87.19 અને 83.63 રુપિયા પ્રતિ લિટર પર રહ્યા હતા.
એક દિવસ પહેલા દિલ્હી સરકારે ડીઝલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. વેટમાં ઘટાડાને કારણે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા 8.38 નો ઘટાડો થયો છે.
દેશની રાજધાનીમાં પેટ્રોલ કરતા ડીઝલ 1.51 રુપિયા પ્રતિ લીટરના ઉંચા ભાવે વેચાઇ રહ્યું હતું. દિલ્હીના પેટ્રોલપંપના વેપારી અભિષેક ત્યાગીએ જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ હોવાને કારણે તેનું વેચાણ 60 ટકાથી વધુ ઘટ્યું હતું, પરંતુ વેટમાં ઘટાડા બાદ ડીઝલ સસ્તું થઈ ગયું છે, જે તેના વપરાશમાં વધારો કરશે.