જમ્મુ-કાશ્મીર: ભુતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, ભૂતપૂર્વ પ્રધાન અને સિનિયર નેશનલ કોન્ફરન્સના નેતા અલી મોહમ્મદ સાગર અને પીડીપીના વરિષ્ઠ નેતા અને મુફ્તીના કાકા, સરતાજ મદનીની 5 ઓગસ્ટ 2019થી જાહેર સલામતી અધિનિયમ હેઠળ અટકાયત કરવામાં આવી હતી જે પુરી થવાના કલાકો પૂર્વે તેમાં 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.
મુફ્તી હાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 'ફેર વ્યૂ' ખાતે રોકાયા છે જ્યારે સાગર અને મદનીને ગુપ્કર રોડ પરના સરકારી આવાસમાં રાખવામાં આવ્યા છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ મુફ્તીની અટકાયતના નિર્ણયને અવિનયી, ક્રૂર અને પછાત ગણાવ્યો હતો. ઓમરે ટ્વિટ કર્યું હતું કે, "મહેબૂબા મુફ્તીની અટકાયત લંબાવવાનો નિર્ણય અતિ ક્રૂર અને પછાત છે. મુફ્તીએ એવું કશું કર્યું નથી કે જેના લીધે તેમને આટલો સમય અટકાયતમાં રાખવામાં આવે. મોદીજીએ જમ્મુ અને કાશ્મીરને દાયકાઓ પાછળ ધકેલી દીધું છે."
ગત વર્ષે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં વિભાજીત કરી દેવામાં આવ્યુ હતું. ત્યારે મુફ્તીને 5 ઓગસ્ટથી નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં આઠ મહિના ગાળ્યા બાદ તેમને આંશિક રાહત આપવામાં આવી હતી.
મહેબૂબાની પુત્રી ઇલ્તીજાએ માતાની અટકાયત સામે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી માટે 18 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે આ સુનાવણી થઈ શકી નથી.