દિલ્હીમાં અસમની યુવતીને ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો, મહિલા આયોગે કરી રેસક્યુ - દિલ્હીમાં મહિલાઓ પર અત્યાચાર
નવી દિલ્હીઃ મહિલા આયોગે અસમની 19 વર્ષીય યુવતીને રેસક્યુ કરી છે. આ યુવતીને બળજબરીપૂર્વક એક ઘરમાં ગોધીં રાખવામાં આવી હતી. યુવતીને કોઈ પણ જાતનું ભથ્થું આપ્યા ઘરનું કામ કરાવાઈ રહ્યું હતુ. સાથોસાથ તેની પર અત્યાચાર પણ ગુજારવામાં આવતો હતો.
પીડિત યુવતીના સંબંધીએ આ અંગે 181નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં મહિલા આયોગે તપાસ કર્યા બાદ યુવતીને એક ઘરમાંથી રેસક્યુ કરી છે. આ યુવતીને નોકરી અપાવવાને બહાને દિલ્હી લવાઈ હતી. યુવતીએ જ્યારે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેને જવા માટે સ્પષ્ટ ના પાડી દેવાઈ.
મહિલા આયોગના જણાવ્યા અનુસાર યુવતીને તેના ગામમાંથી આકાશ નામના યુવકે દિલ્હીમાં નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. દિલ્હી લાવ્યા બાદ નાણાંકીય વહીવટ કરી યુવતીને પ્લેસમેંટ એજન્સીના એજન્ટને સોંપી દેવાઈ હતી.
આ યુવતી મૂળ અસમની છે. તે પોતાના ભાઈ-બહેન સાથે રહેતી હતી. તેના પિતાનું 3 વર્ષ પહેલા નિધન થઈ ગયુ હતુ. ગુજરાન અર્થે તે પોતાની માં સાથે ચ્હાની ખેતીના કામ સાથે જોડાયેલી હતી.
આ ઘટના સામે આવતા દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટીસ જાહેર કરી છે. જેમાં FIR દાખલ ન કરવા અને પ્લેસમેન્ટ એજન્ટ સામે કાર્યવાહી ન કરવાનું કારણ પૂછ્યું છે. તેમજ દિલ્હી પોલીસ આ યુવતીને તેનું મહેંતાણું ચુકવવા કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી છે.