બંધારણના રક્ષક કે ભક્ષક ?
સરકારીયા પંચે ત્રણ દાયકા પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યપાલની જવાબદારી સરકારની રચના થાય તે જોવાની છે, તેમણે પોતે સરકાર રચવાની નથી કે રચવાનો પ્રયત્ન કરવાનો નથી. બંધારણની અગત્યની સંસ્થા તરીકે રાજભવનને જોવામાં આવે છે, પણ તેની કામગીરી બંધારણની ભાવનાને બટ્ટો લગાડનારી જ રહી છે. રાજ્યપાલો ગંદું રાજકારણ રમીને સંસ્થાના ગૌરવને ઠેસ પહોંચાડતા રહ્યા છે.
સરકારીયા પંચે ત્રણ દાયકા પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યપાલની જવાબદારી સરકારની રચના થાય તે જોવાની છે, તેમણે પોતે સરકાર રચવાની નથી કે રચવાનો પ્રયત્ન કરવાનો નથી. બંધારણની અગત્યની સંસ્થા તરીકે રાજભવનને જોવામાં આવે છે, પણ તેની કામગીરી બંધારણની ભાવનાને બટ્ટો લગાડનારી જ રહી છે. રાજ્યપાલો ગંદું રાજકારણ રમીને સંસ્થાના ગૌરવને ઠેસ પહોંચાડતા રહ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી અને કમલ નાથની સરકાર પર સંકટ આવી ગયું હતું. તે વખતે મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને આગ્રહ રાખ્યો કે વિધાનસભાના ગૃહમાં જલદી બહુમતી સાબિત થઈ જવી જોઈએ. તે વખતે કોરોના સંકટ આવી પહોંચ્યું હતું, પણ તેની કોઈ પરવા લાલજી ટંડનને નહોતી. બાદમાં કોરોના રોગચાળાની ઐસીતૈસી કરીને 23 માર્ચે શિવરાજસિંહ ચૌહાણે મુખ્ય પ્રધાન તરીકે શપશવિધિ કરી પણ નાખી.
આવો જ રાજકીય ઘટનાક્રમ રાજસ્થાનમાં સર્જાયો અને કોંગ્રેસના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટે બળવો કર્યો. કોંગ્રેસે પાઇલટ અને તેમની સાથેના ધારાસભ્યોને હાંકી કાઢવા માટે પ્રયાસ કર્યો. મધ્ય પ્રદેશ કરતાં અહીં સ્થિતિ થોડી જુદી છે અને ગેહલોત તથા પાઇલટ જૂથ બંને વચ્ચે વર્ચસની લડાઈ ચાલી રહી છે.
દરમિયાન રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રે કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ રાજકીય ખેલ ખેલવાની કોશિશ કરી છે. તેમણે રાજ્યના પ્રધાનમંડળ પાસે આગ્રહ રાખ્યો કે સત્ર બોલાવવા માટે જરૂરી 21 દિવસના નોટિસના સમયનું પાલન કરવું જોઈએ. તાત્કાલિક સત્ર બોલાવવા માટેની માગણી તેમણે ત્રણ ત્રણ વાર નકારી કાઢી. તેમણે તો વળી ચિંતા વ્યક્ત કરી કે રાજ્યમાં કોરોનાનું સંકટ છે. ધારાસભ્યોના સ્વાસ્થ્યની પોતાને ચિંતા છે એવી વાત તેમણે કરી નાખી. પણ ધારાસભ્યોની સુરક્ષાની જવાબદારી સ્પીકરની છે. રાજ્યપાલે તો માત્ર પ્રધાનમંડલની ભલામણ અનુસાર કામ કરવાનું હોય છે. આમ છતાં કલરાજ મિશ્ર આડા ચાલ્યા.
રાજ્યપાલો પોતે ભ્રષ્ટાચારમાં અને બીજી ગેરરીતિમાં સંડોવાયા હોય તેવા દાખલા પણ છે. હકીકતમાં 1983માં સરકારીયા પંચે કહ્યું હતું કે, “સત્તામાં બેઠેલા પક્ષના કોરાણે મૂકાયેલા અને અસંતુષ્ટ નેતાઓ કે જેમને બીજી ક્યાં સમાવી શકાય તેમ હોતા નથી, તેમને રાજ્યપાલ તરીકે નિમવામાં આવે છે. આવા લોકો હોદ્દા પર હોય ત્યારે નિષ્પક્ષ બંધારણીય હોદ્દેદાર તરીકે કામ કરવાન બદલે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે જ કામ કરે છે.”
લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પીડીડી આચાર્યના જણાવ્યા અનુસાર, “ગૃહની કાર્યવાહી પર માત્ર સ્પીકરનો એકાધિકાર છે. ગૃહની કાર્યવાહીનો સવાલ છે ત્યાં સુધી સ્પીકરની કામગીરી પર રાજ્યપાલનું કોઈ નિયંત્રણ ના હોઈ શકે.” 2016માં સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશસિંહ રાવતને ગૃહમાં વિશ્વાસનો મત લેવા કહ્યું હતું. ઉત્તરાખંડમાં લગાવાયેલા રાષ્ટ્રપતિ શાસનને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢીને રાવત પાસે બહુમતી છે કે કેમ તેનો નિર્ણય ગૃહમાં જ કરવા જણાવ્યું હતું.
એ જ વર્ષ સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે અરૂણાચલ પ્રદેશમાં પણ રાજ્યપાલ જે.પી. રાજખોવાનો વિધાનસભાના સત્રને વહેલું બોલાવવા માટેના આદેશને રદ કરી દીધો હતો. પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્યપાલ કંઈ સર્વસત્તાધીશ બંધારણીય સત્તા નથી. ન્યાયધીશોએ વધુમાં જણાવ્યું કે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળની ભલામણ વિના, પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને વિધાનસભાનું સત્ર બોલાવી કે રદ કરી શકે નહિ.
આ ચુકાદાઓ સ્પષ્ટ છે કે રાજસ્થાનના રાજ્યપાલ મિશ્રે કરેલી કાર્યવાહી બંધારણની ઉપરવટ જઈને કરેલી છે. રાજ્યપાલે બંધારણની ભાવનાનું રક્ષણ કરવાનું છે. પરંતુ હાલમાં બનેલા બનાવો દર્શાવે છે કે રાજ્યપાલો જ બંધારણનું પાલન કરવાની પોતાની મૂળભૂત ફરજમાં ચૂકી ગયા છે.