નવી દિલ્હી. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી મહત્વની જાહેરાત કરી છે. રક્ષા પ્રધાને કહ્યું કે, મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવશે.
રાજનાથ સિંહે આજે મહત્વપૂર્ણ ઘોષણા કરતા ટ્વીટ કર્યું કે, રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલમાં આગળ વધવા માટે તૈયાર છે. રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે એમઓડી 101થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવશે. મહત્વનું છે કે, લદાખમાં ભારત-ચીનના સરહદીય તણાવ વચ્ચે રક્ષા પ્રધાનની આ જાહેરાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
રાજનાથ સિંહે કહ્યું કે, આ લિસ્ટમાં ન કેવળ કેટલાંક પાર્ટ્સ સામેલ હશે, પરંતુ મોટાં હથિયાર જેવા કે અસોલ્ટ રાયફલ, સોનાર સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCH, રડાર અને અન્ય ઘણી વસ્તુઓ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સ્તંભો ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના આધારે સ્વનિર્ભર ભારત માટે ક્લેરિયન કોલ આપ્યો છે અને દેશ સ્વનિર્ભર બને તે માટે ‘આત્મનિર્ભર ભારત’ના નામથી એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે.
રાજનાથસિંહે આગળ લખ્યું કે, સંરક્ષણ મંત્રાલયે 101 વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેના પર આગામી સમયમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું પગલું છે.