રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને ટ્રમ્પના ભાષણના સૂચિતાર્થો
રિપબ્લિકન પાર્ટીએ ફરી એક વાર પ્રમુખપદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરી લીધા. તે માટે નેશનલ કન્વેશન યોજાયું તેમાં વ્હાઇટ હાઉસથી ટ્રમ્પ અને તેમના પરિવારના સભ્યો જોડાયા હતા. તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે સત્તાવાર રીતે પિતાની રજૂઆત કરી. તે વખતે ત્યાં એકઠા થયેલાં લોકોમાં કોઈ દો ગજની દૂરી રાખવામાં આવી નહોતી. માસ્ક પહેરવાની દરકાર પણ ભાગ્યે જ થોડા લોકોએ કરી હતી. ઇન્વાન્કાએ પિતાને "પિપલ્સ પ્રેસિડન્ટ" એવી રીતે ઓળખાવ્યા અને કહ્યું કે રાજકીય રીતે આકરા લાગતા હશે, પણ તેઓ ‘અમેરિકાને ફરી એક વાર ગ્રેટ’ બનાવવા માટે કામ કરી રહ્યા છે.
“મારા પિતા મક્કમ અભિપ્રાયો ધરાવે છે. તે પોતાની માન્યતાને જાણે છે અને મનમાં હોય તે જ જણાવે છે. તમે તેમની સાથે સહમત થાવ કે ના થાવ, તેમનો અભિપ્રાય શું એ તમને ખબર હોય. હું જાણું છું મારા પિતાની સંવાદની પદ્ધતિ બધાને માફક આવતી નથી, પરંતુ આખરે પરિણામોનું મહત્ત્વ છે,” એમ ઇન્વાન્કાએ કહ્યું હતું.
ટ્રમ્પે પોતાના ભાષણમાં હરિફ જો બાઈડન અને 47 વર્ષના તેમના સાંસદ તરીકેના કાર્યકાળની ટીકા કરી અને ડેમોક્રેટ નેતાઓ ઉગ્ર ડાબેરીઓ છે એવું કહ્યું. મિનિયાપોલીસ અથવા કેનોશા જેવા ડેમોક્રેટિક શાસિત શહેરોમાં રંગભેદ અને અશ્વેત અધિકારોના મુદ્દે કેમ તોફાનો ફાટી નીકળ્યા એવો સવાલ પણ ઊઠાવ્યો.
“આપણા દેશના ઇતિહાસમાં આ સૌથી અગત્યની ચૂંટણી છે. અગાઉ ક્યારેય બે પક્ષો વચ્ચેની પસંદગી, બંનેનું વિઝન, બંનેની વિચારસરણી અને બંનેના એજન્ડા મતદારો માટે આટલા સહેલા નહોતા. આ ચૂંટણી નક્કી કરશે કે આપણે અમેરિકન સપનું બચાવી શકીશું કે પછી આપણા ભવિષ્યને તોડી પાડનારા સમાજવાદી એજન્ડાને ચાલવા દઈશું,” એમ ટ્રમ્પે કહ્યું હતું.
71 મિનિટ લાંબા ભાષણમાં તેમણે કહ્યું કે અમેરિકાની જીવન પદ્ધતિ બચાવવા માટે આ ચૂંટણી અગત્યની છે, કેમ કે ડેમોક્રેટિક નેતાઓ અમેરિકાને રંગભેદી, આર્થિક અને સામાજિક અન્યાય કરનારા તરીકે દર્શાવી રહ્યા છે. પોતાના જ દેશની આવી ટીકા કરનારા ડેમોક્રેટિક પાર્ટી કેવી રીતે દેશ ચલાવી શકશે એવો સવાલ હું તમને પૂછું છું.
ગયા અઠવાડિયે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન પણ યોજાયું હતું. બંનેની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘણાએ ટીકા કરી કે એક જ પક્ષના કન્વેન્શન માટે વ્હાઇટ હાઉસ ઉપયોગ કરાયો. રિપબ્લિકન અધિવેશનમાં પ્રવક્તાઓની પસંદગી થઈ તે દ્વારા ટ્રમ્પનો વધારે માનવીય ચહેરો દર્શાવવા કોશિશ થઈ હતી?
અમેરિકાની ચૂંટણી વિશેની શ્રેણીના આ લેખમાં સ્મિતા શર્માએ અધિવેશનના મુદ્દાઓ અને ટ્રમ્પના ભાષણના સૂચિતાર્થોની ચર્ચા કરી છે.
વૉશિંગ્ટન ખાતેના સિનિયર પત્રકાર અને કટારલેખક સીમા સિરોહીએ આ અંગે જણાવ્યું કે, “વ્હાઇટ હાઉસમાં 1500 જેટલા લોકો એકઠા થયા હતા અને ભાગ્યે જ તેમાંથી કોઈએ માસ્ક પહેર્યો હતો. ખુરસીઓ પણ એક બીજાની નજીક મૂકવામાં આવી હતી, જાણે કે રોગચાળો ચાલતો જ નથી. એક વક્તાએ રોગચાળો ભૂતકાળની વાત હોય તેવી રીતે વાત કરી. વ્હાઇટ હાઉસના એક દરવાજા સામે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો. જાણે જુદા જ પ્રકારનું અમેરિકા જોવા મળી રહ્યું હોય તેવું લાગતું હતું.”
“અમેરિકા શું છે અને કેવું હોવું જોઈએ તે વિશે ટ્રમ્પ પ્રકારની વિચારસરણીના ભાષણો સાંભળવા મળ્યા. બાઇડન કેમ્પેઇન તરફથી પણ અમેરિકા કેવું છે અને કેવું હોવું જોઈએ તેની વાતો થઈ હતી. એક રીતે જુઓ તો બંનેની વાતોમાં થોડું યોગ્ય, થોડું અયોગ્ય હતું. બંને તરફથી રજૂ થયેલી વાતોમાંથી કઈ વાતોને વધારે સમર્થન મળે છે તેના આધારે ચૂંટણીનું પરિણામ નક્કી થવાનું છે,” એમ ધ હિન્દુ અખબારના એસોસિએટ એડિટર વર્ગીઝ કે. જ્યોર્જ જણાવે છે. વર્ગીઝે ‘ઓપન એમ્બ્રેસ: ઇન્ડો-યુએસ ટાઇઝ ઇન ધ એજ ઑફ મોદી એન્ડ ટ્રમ્પ’ પુસ્તક લખ્યું છે.
“આ રીતે બે કથાકન રજૂ થયા છે, તેમાં ટ્રમ્પની કથા એવું કહે છે કે અમે ‘વાઇરસની કંઈ પરવા કરતાં નથી. અમે વાઇરસ સામે હારી જનારા નહિ, પણ લડી લેનારા છીએ.’ આ રીતે અમેરિકન ઇતિહાસને પોતાના લોકો સામે અને દુનિયા સામે મૂકાયો છે. આ એવો દેશ છે જે માને છે કે અમેરિકનો ઇરાકમાં લડવા ગયા હતા અને મધ્ય પૂર્વમાં લોકશાહીની સ્થાપના કરીને આવ્યા,” એમ 2016ની ચૂંટણી વખતે અમેરિકા ખાતે રહેલા વર્ગીઝ વધુમાં જણાવે છે. રિપબ્લિકન અને ભાજપની રાજકીય વિચારધારાની પ્રચારની પદ્ધતિ વિશે સરખામણી કરતાં તેઓ કહે છે કે પીએમ મોદીએ હિન્દુ-હિન્દુત્વના મુદ્દાને આગળ કરીને જ્ઞાતિવાદથી આગળ જવાની કોશિશ કરી હતી. તે જ રીતે અશ્વેત અધિકારો માટેની ઝુંબેશના મુદ્દે ટ્રમ્પ વ્યાપક કેથલિક વિચારધારાને આગળ કરે છે, જેમાં રૂઢિચૂસ્ત વિચારસરણી હોય છે અને તેની સાથે અશ્વેત કેથલિક પણ જોડાયેલા હોય છે.
ટ્રમ્પે પોતાના ભાષણમાં બાઇડન પર ચીન સામે નરમ વલણ રાખવા બદલ ટીકા કરી હતી. ‘જો બાઇડન જીતી જશે તો ચીન આપણા દેશનો માલિક બની જશે,’ એવી ચેતવણી આપી. તેમણે જેરુસલેમમાં અમેરિકાની રાજદૂત કચેરી ખસેડવામાં આવી તેનો અને યુએઈ તથા ઇઝરાયલ વચ્ચે શાંતિ કરાર કરાવ્યો તેની પણ વાત કરી હતી.
“હું સત્તા પર આવ્યો ત્યારે મધ્ય પૂર્વમાં અંધાધૂંથી હતી. આઈએસઆઈએસ બેફામ હતું, ઇરાનનું જોર વધી રહ્યું હતું, અને અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત જ દેખાતો નહોતો. મેં એક પક્ષી ઇરાન ન્યુક્લિયર ડિલ રદ કરી દીધી. ભૂતકાળના પ્રમુખોથી વિપરિત મેં વચનો પાળ્યા છે. ઇઝરાયલના અસલી પાટનગરને માન્યતા આપી છે અને જેરુસલેમમાં રાજદૂત કચેરી ખસેડી. ગોલન હેઇટ્સ પર ઇઝરાયલના અધિકારને માન્યતા આપી છે અને આ મહિને આપણે 25 વર્ષમાં પ્રથમ વાર શાંતિ કરાર કરાવ્યા.”
આઈએસઆઈએસની ખીલાફતને ખમત કરી નાખી, તેના વડા બગદાદીને પતાવી દીધો અને તે પછી દુનિયાના નંબર વન ટેરરિસ્ટ કાસમ સોલેમાનીને પણ ખતમ કરી દીધો અને તે રીતે હું અમેરિકાને યુદ્ધમાંથી બહાર લાવી રહ્યો છું એમ તેમણે કહ્યું.
શું બગદાદી અને સુલેમાનીને ખતમ કરાયા અને મધ્ય પૂર્વમાં શાંતિ કરાર કરાયા તેના કારણે ચૂંટણીના મુદ્દા તરીકે તેનો ફાયદો ટ્રમ્પને થશે ખરો? આ સવાલના જવાબમાં માયથોસ લેબ્સના સીઈઓ પ્રિયાંક માથુર કહે છે કે “સામાન્ય રીતે વિદેશ નીતિ અમેરિકાની ચૂંટણીમાં મહત્ત્વનું પરિબળ હોતું નથી. પરંતુ બે સ્થિતિમાં તે મહત્ત્વનું સાબિત થઈ શકે છે. આ વખતે વિશેષ મુદ્દો બની શકે છે, કેમ કે વિદેશ નીતિમાં ઇઝરાયલ અગત્યનો પેટા મુદ્દો હોય છે. જમણેરી માટે શ્રદ્ધાનો વિષય બહુ અગત્યનો હોય છે. ઇઝરાયલ ધાર્મિક શ્રદ્ધાની બાબતમાં બહુ મજબૂત રીતે જમણેરી પરિબળો સાથે સંકળાયેલું હોય છે.”
શાંતિ કરાર યોગ્ય કે અયોગ્ય તેના કરતાંય અહીં ધાર્મિક વિચારસરણીનો આધાર મુખ્ય છે એમ માથુર કહે છે. “કાસેમ સુલેમાની અથવા બગદાદી ઓસામા બિન લાદેન જેટલા મોટા ત્રાસવાદીઓ નહોતા. તમે એવું કહી શકો કે તે લોકો તેના જેવું કરી રહ્યા હતા. આ બિન લાદેન જેવા જ હતા અને આપણે તેમને મારી નાખ્યા એમ તમે કહી શકો. સાચી વાત એ છે કે મોટા ભાગના અમેરિકનો એ પણ નથી જાણતા કે કાસેમ સુલેમાની કોણ હતો,” એમ જણાવીને પ્રિયાંક માથુર યાદ કરે છે કે કેવી રીતે લાદેનને મારવામાં આવ્યો ત્યારે અમેરિકાની શેરીઓમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
કોરોના વાઇરસને કારણે પોસ્ટલ બેલેટથી ચૂંટણી કરવાની થશે તો શું થશે તેના મુદ્દાની ચર્ચા પણ પેનલ સાથે કરવામાં આવી. પેનલિસ્ટ એ વાતે સહમત હતા કે તેના કારણે ચૂંટણીના પરિણામોનો મામલો ગૂંચવાઈ શકે છે. મતદાન પછી બીજા દિવસે 4 નવેમ્બર જ પરિણામો ના આવે તેવું બને અને કદાચ અઠવાડિયાઓ લાગી જાય તેવી શક્યતા પણ છે.
-સ્મિતા શર્મા