“અમે અમરાવતીને અન્યાય નથી કરી રહ્યા, પણ બીજા વિસ્તારોનો ન્યાય પણ કરી રહ્યા છીએ,” એવા દંભી નિવેદનો વિધાનસભામાં કરવામાં આવ્યા હતા. નવા રચાયેલા રાજ્ય માટે સ્વપ્નસમી રાજધાનીના નિર્માણ માટે રાજીખુશીથી પોતાની 34,000 એકર જમીન આપી દેનારા ખેડૂતો પર સરકારે ક્રૂર લાઠીઓ વરસાવી છે. ઉદારતા સાથે આપેલી જે જમીન પર વિધાનસભા ઊભી થઈ છે તે ગૃહમાં જ ખેડૂતોની આકાંક્ષાઓને દબાવી દેવાઈ છે. શું ચૂંટણી પહેલાં ક્યારેય YCPએ એવી જાહેરાત કરી હતી ખરી કે તે ચૂંટાઈને આવશે તો અમરાવતીની અવગણના કરીને ત્રણ ત્રણ રાજધાની બનાવવાનું વિચારશે? જી નહિ, એવી કોઈ વાત તેણે કરી નહોતી.
એવું લાગે છે કે આવો ઝેરી વિચાર તેને ચૂંટણીમાં અણધારી સફળતા પછી મળેલી એકહથ્થુ સત્તાને કારણે આવ્યો હતો. એકવાર પોતાના હાથમાં સત્તાના સૂત્રો આવ્યા તે સાથે જ YCP દ્વારા બધા જ વિકાસના કાર્યો અટકાવી દેવાયા છે.
અમરાવતી પૂરગ્રસ્ત વિસ્તાર છે અને જમીન અસ્થિર હોવાના કારણે બાંધકામનો ખર્ચ વધુ આવશે તેવી વાતો થઈ રહી છે. પ્રધાનો એવા નિવેદનો કરી રહ્યા છે કે ઇન્સાઇડર ટ્રેડ કરીને આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. મુખ્ય પ્રધાને એવું જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાની જેમ ત્રણ ત્રણ રાજધાની હોય - ધારાગૃહ માટે, વહિવટીતંત્ર માટે અને ન્યાયતંત્ર માટે - તે નિવેદન બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને એક્સપર્ટ કમિટી માટે જાણે સનાતન સત્ય બની ગયું છે.
ત્રણ ત્રણ રાજધાની માટે નિર્ણય કરવા બેસાડેલી ઉચ્ચ કક્ષાની સમિતિ આવું જ ગાણું ગાઈ રહી છે અને બધા જ પ્રદેશોના સામુહિક વિકાસ માટે વિકેન્દ્રીકરણના નામે નિર્ણય લેવાની તૈયારીઓ થઈ રહી છે. આ રીતે મુખ્ય પ્રધાનની મુનસફીને પાર પાડવાની તૈયારીઓ થઈ રહી છે. આ સરકાર અમરાવતી નગરીનું બાળમરણ કરાવવા તૈયાર થઈ ગઈ છે.
6 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશનું વિભાજન થયું હતું, ત્યારે રાજ્ય પાસે કોઈ રાજધાની નહોતી અને મહેસૂલમાં 17,000 કરોડ રૂપિયાની ખાધ પણ ભાગે આવી હતી. 2014માં ચૂંટણી ઢંઢેરામાં YCP દ્વારા ગૌરવ સાથે એવો વાયદો કરવામાં આવ્યો હતો કે વિશ્વ કક્ષાનું નવું પાટનગર તૈયાર કરવામાં આવશે. માત્ર ભારતના રાજ્યોની રાજધાની સાથે નહિ, પણ વિશ્વના પાટનગરો સાથે તે સ્પર્ધા કરશે તેવી વાતો કરાઈ હતી. વિધાનસભાની ગત ચૂંટણી વખતે પણ વચન અપાયું હતું કે ત્રણેય પ્રદેશોનો એકસમાન રીતે વિકાસ કરાશે. વિકેન્દ્રીકરણની નીતિ અપનાવાશે અને રાજધાનીને સૌને રોજગારી માટે ફ્રી ઝોન તરીકે વિકસાવાશે.